બિદડા નિયાણી ગ્રુપની તીર્થયાત્રા પરંપરાએ ઉજવી સિલ્વર જયુબિલી

સ્નેહ અને સંસ્કારને જોડનારું આયોજન બન્યું અનેરી પહેલ

બિદડા નિયાણી ગ્રુપ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી તીર્થયાત્રા સંઘ યોજવામાં આવે છે. બિદડા જૈન સંઘની દીકરીઓ પોતાના સાસરે કચ્છ, મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ સ્થળે વસવાટ કરતી હોય, તેમને પણ સાથે જોડીને તીર્થયાત્રા, વંદન અને દર્શનનો લાભ મળે તેવા હેતુથી દર વર્ષે ત્રણ દિવસીય તીર્થયાત્રા યોજાતી આવે છે. આ પરંપરાના ભાગરૂપે તા. ૬, ૭ અને ૮ ઓક્ટોબર દરમિયાન ૨૫મી તીર્થયાત્રા યોજાઈ હતી. ૨૫ વર્ષની આ યાત્રાની સફરની અનુમોદના અને સ્મૃતિરૂપે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ધામમાં સિલ્વર જયુબિલી સન્માન સમારોહ યોજાયો હતો. તીર્થયાત્રાના મુખ્ય દાતા બીનાબેન રાજેશભાઈ છેડા પરિવાર સહિત અન્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે છેલ્લા ૨૫ વર્ષથી આ પરંપરાને જીવંત રાખનાર નિયાણી ગ્રુપનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓને ૧૦૦૮ પાર્શ્વનાથ તીર્થ, ઉઘરેજ તીર્થ, રાતોલ તીર્થ, ભોયણી તીર્થ અને ધાકડી તીર્થ સહિત વિવિધ જૈન તીર્થોની યાત્રા અને દર્શનનો લાભ મળ્યો હતો. અઢી દાયકાથી અવિરત ચાલતી આ તીર્થયાત્રા માત્ર ધાર્મિક યાત્રા જ નહીં, પરંતુ બિદડા જૈન પરિવારની દીકરીઓને એકસાથે જોડતી, સ્નેહ અને સંસ્કારની પરંપરાને મજબૂત કરતી એક અનોખી પહેલ બની છે. તેવી લાગણી આ પ્રસંગે બતાવાઈ હતી.