કલા એ પરમાત્માને પામવાનું ઉમદા માધ્યમ

એસજીવીપી અમદાવાદ ખાતે કલાતીર્થ સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયત

કલાને કોઈ સીમાડા નથી હોતા. કલા અને ભાષા ભારતવર્ષર્ને અખંડ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે. આપણા દરેક ધર્મ કલાના પોષક છે એટલે કલા એ પરમાત્માને પામવાનું માધ્યમ છે. અમદાવાદ ખાતે સુરતની કલા સંસ્થા કલાતીર્થ દ્વારા પ્રતિવર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ-૨૦૨૬ના અર્પણવિધિના કાર્યક્રમમાં આશીર્વચન આપતાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાપ્રતિષ્ઠાનના સ્વામી માધવપ્રિયદાસજીએ આ સૂર વ્યક્ત કર્યો હતો.
સમારંભના અધ્યક્ષ કુમારપાળ દેસાઈએ કલાતીર્થની પ્રવૃત્તિઓને આવકાર આપતાં કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈને કલાના ભેખધારી ગણાવ્યા હતા.
અતિથિવિશેષ અને પૂર્વ સનદી અધિકારી વસંતભાઈ ગઢવીએ કલાતીર્થની પ્રવૃત્તિનો સહયોગ એસ.જી.વી.પી.ને સાચી દિશાના કાર્યને વેગવાન બનાવતો હોવાનું જણાવી રમણીકભાઈએ કલા સાધનાની ધૂણી ધખાવી હોવાનું કહ્યું હતું.‘કલાતીર્થ ટ્રસ્ટ’ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ-૨૦૨૬ માટે ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને સંશોધક ડૉ. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપતના જ્ઞાતા પુરાતત્વવિદ્ પ્ર્રા. ડૉ. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા, હસ્તકલાવિદ્ રાગિણીબેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુધારને પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ તથા રોકડ માનધન રૂા. ૨૧૦૦૦ પન્નાબેન રસિકલાલ હેમાણીના સહયોગથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ સમારોહના ઉદ્ઘાટનમાં પૂર્વ માહિતી નિયામક અને જાણીતા સર્જક વી.એસ. ગઢવી, ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યકાર કુમારપાળ દેસાઈ, સમાજસેવિકા અને પુરસ્કારદાતા પન્નાબેન હેમાણી, શાંતિભાઈ સાવલા, સંસ્કારભારતી ગુજરાત પ્રાતના અધ્યક્ષ અભેસિંહ રાઠોડ, કલાવિવેચક કનુભાઈ પટેલ, સુરતના જે. બી. પટેલ, કચ્છના વતની રાજ્યના પૂર્વ મંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બે ગ્રંથનું વિમોચન પણ કરાયું હતું.
કલાતીર્થ ટ્રસ્ટના સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહીરે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી. કક્ષાના અધ્યાપકો અને સંશોધકો એમ બે વિભાગમાં વિવિધ વિષયો પર શોધપત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેના વિજેતાઓ અધ્યાપક અને શોધક વિભાગમાં પ્રથમ અજિત વાઘેલા, દ્વિતીય ડૉ. અરુણા વાઘેલા, તૃતીય ડૉ. દક્ષા ડાંગર તથા અન્ય પાંચ આશ્વાસન ઇનામને પાત્ર શોધપત્રોમાં ડૉ. સાધના ટાંક, ડૉ. ભાવિની પંડ્યા, રવીન્દ્ર લાંબા, ભીમજી બાચરિયા તથા ડૉ. જલક પટેલ વિજેતા થયા હતા. વિદ્યાર્થી શોધક વિભાગમાં પ્રથમ વિધિ પટેલ, દ્વિતીય રક્ષિતા જોશી, તૃતીય તેજલ ગઢવી તથા અન્ય પાંચ આશ્વાસન ઇનામને પાત્ર શોધપત્રોમાં અતુલકુમાર ડોડિયા, દિવ્યરાજસિંહ યાદવ, જાગૃતિ ઠાકોર, મોબિન બસીર શેખ તથા સ્નેહલ ત્રિવેદી વિજેતા થયા છે. તેમને સન્માનિત કરાયા હતા. કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયાએ સમગ્ર આયામની વિગત આપી હતી. યજ્ઞવલ્લભસ્વામીએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. સમારોહનું સંકલન કિશોર જોશી, જિગર પંડ્યા, વિનય પંડ્યા, કમલેશ ગજ્જર, અનિલ શ્રીમાળી, વિમલા ઠક્કર, બિજલ હરિયા તથા પ્રિયંકા જોશીએ કર્યું હતું, જ્યારે સંચાલન ડૉ. અશ્વિન આણાદાણીએ કર્યું હતું. કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા, સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહીર તથા સહ સંયોજક ભુજ કચ્છના જાણીતા ઇતિહાસવિદ નરેશભાઈ અંતાણીએ આભાર માન્યો હતો.