યાત્રીઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ, સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ
જિલ્લા મથક ભુજના પ્રવેશ દ્વાર સમાન આર ટી ઓ રિલોકેશન સાઇટ ખાતે ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કરણી સેના, નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રૂપ અને લક્કી ગ્રુપ ભુજના સંયુક્ત ઉપક્રમે માતાનામઢ જતા પદયાત્રીઓ માટેના આધુનિક સુવિધાથી સજ્જ વિશાળ અને જાણીતા નમો કેમ્પનો પરંપરાગત રીતે દબદબાભેર પ્રારંભ કરાયો હતો.
કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના હસ્તે દીપ પ્રાગટય સાથે નમો કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાંજે ભાવભેર મહાઆરતી પણ યોજાઈ હતી. પદયાત્રીઓ માટેના આ સેવા કેમ્પને ખુલ્લો મૂકતા દેવજીભાઈ વરચંદએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી કાર્યરત આ કૅમ્પની સેવાઓ પ્રશંસાને પાત્ર છે. દૂરદૂરથી આવતા માઈ ભક્તોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે અને આગળની તેઓની યાત્રા આરામદાયક અને સફળ સુલભ રહે તેવી પ્રાર્થના અને ભાવ સાથે ભક્તોને અહીંથી આગળ જવાની વિદાય આપવામાં આવે છે. કેમ્પના આયોજકો અને કાર્યકર્તાઓની આવી ભાવનાને તેમણે બિરદાવી હતી.
કેમ્પના પ્રારંભ સમયે દેવજીભાઈ વરચંદનું સન્માન કરણી સેના ગુજરાત પ્રદેશના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા અને જિલ્લા કિસાન મોરચા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ વિક્રમસિંહ એ. જાડેજાએ કર્યું હતું. તો ધવલભાઈ આચાર્ય, (મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ)નું સન્માન અર્પિત ઠક્કર, કુશલ ઠક્કર અને ઓમ ઠક્કરે કર્યું હતું. ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કરનું સન્માન જયેશભાઈ સચદે (બાપાદયાળુ) અને કૈલાશભાઈ ગણાત્રાએ કર્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રૂપ અને નખત્રાણા તાલુકા લોહાણા મહાજનના અધ્યક્ષ રાજેશભાઈ પલાણએ કર્યું હતું. કેમ્પના સંચાલન માટેના આયોજન વ્યવસ્થા આયોજક સંસ્થાના હોદેદારો અને કાર્યકરો સંભાળી રહ્યા છે. તો રાજકીય, સામાજિક, સંસ્થાકીય અને જ્ઞાતિગત હોદેદારો, અગ્રણીઓ પણ કેમ્પની મુલાકાતે આવી રહ્યા છે.
કેમ્પના પ્રથમ દિવસે મહા આરતીમાં કચ્છ ના લોક ગાયક ખીમરાજ ગઢવી અને વિધિ માકાણી દ્વારા આરતી બાદ રાસની રમઝટ બોલાવાઈ હતી. આયોજકોએ આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે કેમ્પમાં યાત્રીઓ માટે ચા અને પાણીથી લઈ ભોજન, આરામ તથા મેડિકલ સહિતની સુવિધા રાખવામાં આવી છે. તો દર વર્ષે કઈંક નવું અને વધુ સેવામાં આપવાનો અભિગમ આ વખતે પણ બરકરાર રખાયો છે. કેમ્પ દરમ્યાન યોજાતા વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યો આ વર્ષે પણ જારી રહેશે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં યાત્રિકોએ આ સ્થળે સેવાનો લાભ લીધો હતો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં અગ્રણી વસંતભાઈ કોડરાણી, અર્પિત ઠક્કર, કુશલ ઠક્કર, ઓમ ઠક્કર, કૈલાશભાઈ ગણાત્રા, વીરભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શ્યામ ઠક્કર, અરવિંદ ઠક્કર, નયન ડુડિયા, રાહુલ રબારી, ચેતન ઠક્કર, સંજય ત્રિપાઠી, ચેતન કતીરા, મેહુલ ગણાત્રા વગેરે આયોજન વ્યવસ્થા અને સ્વાગત સત્કારમાં સામેલ થયા હતા.

