મુંદરા અદાણી સોલારની સર્વર કચેરીના 17 લેપટોપની ચોરીમાં ઘરના જ ઘાતકી નીકળ્યા

બે લેપટોપ રૂમમાંથી મળ્યા, બાકીના 15ની કર્મચારીઓની કબૂલાત

મુંદરા ખાતે અદાણી સોલાર કંપનીની સર્વર ઓફિસમાંથી ડેલ કંપનીના 17 લેપટોપ ચોરી થવાના બનાવનો ભેદ ખોળી કઢાયો છે. પ્રકરણમાં કંપનીના કર્મચારીઓની સંડોવણી તપાસમાં ખુલી છે. બનાવ અંગે આઈટી મેનેજરે ફરિયાદ લખાવી છે. સર્વર ઓફિસમાં લેપટોપનો સ્ટોક ચેક કરતાં 47માંથી 17 લેપટોપ મળી આવ્યા નહોતા.
ફરિયાદ મુજબ અદાણી સોલારના આઈટી મેનેજર વિપુલ ડોડીયાને જાણ કરાયા બાદ સિક્યુરિટી ઓફિસમાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવીમાં ફાયર વિભાગમાં ફરજ બજાવતા ખિરુડ ભટ્રેશ્વર મોરનને સર્વર ઓફિસ આસપાસ ફરતા જોવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે બે લેપટોપ ચોરી કરી પોતાના રૂમમાં રાખ્યાની કબૂલાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રૂમ તપાસતા બંને ડેલ લેપટોપ મળી આવ્યા હતા. બાકીના 15 લેપટોપ અંગે ખિરુડે પોતાના સાથી કર્મચારીઓ અનુપમ નિપુણ ડેકા, રિસિરાજ રીતુ બોરુઆ, મોનજોય સરજો સોનોવાલ, તનમય બિજોય સૈકીયા અને દિપાંકર બાપાકોન બોરાના નામ આપ્યા હતા. તમામે અલગ-અલગ દિવસોએ એક્સેસ કાર્ડથી સર્વર ઓફિસમાં પ્રવેશ કરી લેપટોપ ચોરી કર્યાનું તપાસમાં બહાર આવ્યું છે.