ભુજમા કચ્છ મ્યુઝિયમ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઈ

કચ્છની કલા, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા કરાઈ સઘન ચર્ચા

ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જતન અને પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે, ત્રીજી ઓક્ટોબરના ભુજના ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમ ખાતે ‘સેવા સંકલ્પ’ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોની વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કચ્છના ઇતિહાસ, કલા અને પુરાતત્વ ક્ષેત્રના તજજ્ઞો તેમજ ગણમાન્ય નાગરિકોએ ઉપસ્થિત રહીને પ્રવાસન અને સંસ્કૃતિના વિકાસ માટે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. રાજ્યના સંગ્રહાલય અને પુરાતત્વ ખાતાના અધિકારી ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા તથા પુરાતત્વ વિભાગના જયપાલસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ક્રાફ્ટ-એન્ટરપ્રિન્યોર પાબીબેન રબારી, મુંબઈના જાણીતા ફોટો જર્નાલિસ્ટ નવીન ભાનુશાલી તેમજ કચ્છ યુનિવર્સિટી અને પુરાતત્વ વિભાગ સાથે દીર્ઘકાળ સુધી જોડાયેલા રહીને કચ્છના પુરાતન ઇતિહાસ, હડપ્પીય સંસ્કૃતિ અને ડાયનાસોરના અવશેષો પર ઊંડું સંશોધન કરનાર પ્રખ્યાત પુરાતત્વવિદ્ અને ઇતિહાસકાર ડૉ. હિરજી ભુડિયાએ પણ આ બેઠકમાં સહભાગી થઈ વિચારો વ્યક્ત કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કચ્છી ભરતકામ કલાકાર અને સાહસિક પાબીબેન રબારીએ વડાપ્રધાનના વિઝનને અનુરૂપ કચ્છમાં પ્રવાસન વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કચ્છના પ્રવાસન ઉદ્યોગને સતત ધબકતો રાખવા માટે વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન થવું અનિવાર્ય છે. જાણીતા પુરાતત્વવિદ્ ડૉ. ભુડિયાએ જણાવ્યું હતું કે, આપણી પ્રાચીન ધરોહર એ આપણી સાચી ઓળખ છે. તેમણે કચ્છની હડપ્પીય સંસ્કૃતિ અને અનન્ય પુરાતત્વીય અવશેષોના સંરક્ષણની પ્રક્રિયાને વધુ વ્યાપક અને ઝડપી બનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
મુંબઈ સ્થિત અગ્રણી ફોટો જર્નાલિસ્ટ શ્રી ભાનુશાલીએ જણાવ્યું કે કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે અદ્ભુત છે. તેમણે પ્રાદેશિક અને પરંપરાગત ભાષાઓના મહત્વને ઉજાગર કરી, તેના અસ્તિત્વ અને જતન માટે સામૂહિક પ્રયાસો કરવા આહવાન કર્યું હતું. તો પુરાતત્વ વિભાગના અધિકારી શ્રી જાડેજાએ આપણી પ્રાચીન કલાકૃતિઓ અને પુરાતત્વીય વારસાને વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે સાચવી શકાય, તે અંગે ઉપસ્થિતોને તકનીકી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના સમાપન પ્રવચનમાં ડૉ. સુરેલાએ કચ્છ મ્યુઝિયમના માધ્યમથી અહીંની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા અને જનસેવાની વાતોને જન-જન સુધી પહોંચાડવા માટે વિભાગ કટિબદ્ધ હોવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંકલન વિદ્યુત નિરીક્ષક કચેરી, ભુજના સીનિયર ક્લાર્ક એમ. આઈ. બાયડ દ્વારા કરવામા આવ્યૂ હતું.