ભુજ રેલવે મથકે બોલાચાલી બાદ યુવકની હત્યા

પરપ્રાંતીય  પાઈપ વડે હુમલો કરતાં થયું મોત : આરોપી ઝડપાયો

ભુજ રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે બે પ્રવાસીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. ઉશ્કેરાયેલા યુવકે પાઈપ વડે અન્ય યુવકના માથામાં જીવલેણ હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવમાં રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હુમલાખોર યુવકને દબોચી લીધો હતો. મળતી માહિતી મુજબ, ભુજ રેલવે સ્ટેશન પર સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં બે પ્રવાસીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય જણાતી તકરાર દરમિયાન એક યુવક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પાઈપ વડે સામેના યુવકના માથામાં હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી સ્ટેશન પર હાજર લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકની ઓળખ મુકેશ સાહની (ઉં.૨૮), મૂળ રહે. સીતામઢી, બિહાર તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે તેનું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક મુકેશ સાહની અને હુમલો કરનાર યુવક બંને પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. બંને એકમેકથી અગાઉથી પરિચિત ન હોવાનું પણ સામે આવ્યું છે. જેથી રેલવે સ્ટેશન પર થયેલી બોલાચાલીનું ચોક્કસ કારણ શું હતું અને કયા સંજોગોમાં મામલો હત્યા સુધી પહોંચ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાખોર યુવકને રેલવે પોલીસે ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.આર. સોલંકીની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે. પોલીસે હત્યાનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ તેમજ હુમલામાં વપરાયેલા પાઈપ સહિતની વિગતો મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.