અંજાર કોર્ટ દ્વારા બેવડી હત્યામાં બે આરોપીને આજીવન કેદ

બેટરી ચોરીનો વિરોધ કરતાં વૃદ્ધ સહિત બેની હત્યા થઈ હતી, ૫૦-૫૦ હજારનો દંડ કરાયો

અંજારના ચોથા અધિક સેશન્સ જજ દ્વારા વર્ષ ૨૦૨૩ના ચકચારી બેવડી હત્યાં કેસમાં ચુકાદો અપાયો હતો. ટ્રકમાંથી બેટરી ચોરી કરવાનો વિરોધ કરનાર બે નિરપરાધ વૃદ્ધોને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારવાના આ ગુનામાં કોર્ટે ૨ આરોપી હિરજી ભીમજી દેવરિયા અને આલ્ફાઝ દાઉદ માજોઠીને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે.
મે ૨૦૨૩માં અંજાર-સતાપર રોડ પર આશાપુરા હોટેલ/સ્ટોલ પાસે નરસિંહ રાણાશી ઠાકોર અને તેમના મિત્ર રમેશનાથ શંકરનાથ બાવાજી ચા પીવા ઊભા હતા. આ સમયે આરોપીઓ ઉભેલી ટ્રકમાંથી બેટરીની ચોરી કરી રહ્યા હતા. બંને વૃદ્ધએ ચોરી કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડીઓ અને ઘાતક હથિયારો વડે બંને પર જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા  અંજારના ૪થા અધિક સેશન્સ જજ જે.એલ. ચોવટિયા દ્વારા આ ચુકાદો જાહેર કરાયો હતો સજા પામેલા આરોપી હીરજી ભીમજી દેવરીયા અને અલ્ફાઝ દાઉદ માંજોઠી નામના બંને આરોપને આજીવન કેદ સાથે ૫૦,૦૦૦-૫૦,૦૦૦નો દંડ ફટકારાયો હતો. દંડ ન ભરાય તો વધુ ૬ માસની સાદી કેદ માટેનો હુકમ પણ ચુકાદામાં કરાયો હતો. વસૂલ થનાર દંડની રકમમાંથી ૫૦ ટકા રકમ મૃતક નરસિંહભાઈ અને રમેશનાથના વારસદારોને ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસના અન્ય આરોપી નિખિલ નારણભાઈ પરીયાને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં પી.આઈ. એસ.ડી. સિસોદિયાએ તપાસ ચલાવી ચાર્જશીટ રજૂ કર્યું હતું. સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર પી. પંડ્યાએ દલીલો કરી હતી. ૨૪ સાક્ષી તથા ૪૨ દસ્તજી પુરાવા તપાસી આ ચુકાદો અપાયો હતો.