વિસ ટકા માસિક વ્યાજે લીધેલા 5 લાખ ચૂકવ્યા છતાં સાંધવની જમીન લખાવી લીધી
અબડાસાના કોઠારા પોલીસ મથકના વ્યાજખોરીના અગાઉના કેસ બાદ હવે વધુ એક ફરિયાદ સામે આવી છે. સાંધવ ગામના મહાદેવગર ચંદનગર ગુસાઈએ કોઠારા પોલીસમાં આ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો છે કે પિતાની સારવાર માટે લીધેલા 5 લાખનું મૂળ-વ્યાજ ચૂકવી દીધા બાદ પણ આરોપીઓ દ્વારા વધુ રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને બળજબરીથી ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લેવાયો હતો.
ફરિયાદ મુજબ વર્ષ 2015 દરમિયાન પિતાની સારવાર માટે નાણાંની જરૂર પડતાં કોઠારાના નીલેશ ગોસ્વામીના કહેવાથી આમદ હાજી મામદ મંધરા પાસેથી 5 લાખ 20 ટકા માસિક વ્યાજે લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ આરોપીને મૂળ રકમ તથા વ્યાજ પેટે 5 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપી તથા તેના માણસો દ્વારા વારંવાર વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી. એટલું જ નહીં, ફરિયાદીને પતાવી દેવાની ધમકીઓ આપવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે આરોપીઓએ બળજબરીપૂર્વક સાંધવ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 50/1 તથા 258 પૈકી-2ની ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. વર્ષ 2015થી 2016 દરમિયાન બનેલી આ ઘટનાની કોઠારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોઠારા પોલીસમાં જાવેદ હુસેન હજામની ફરિયાદના આધારે આમદ મામદ મંધરા અને ઓસમાણ મામદ મંધરા સામે ઊંચા વ્યાજે નાણાં ધીરવાના આક્ષેપો સાથે ગુનો નોંધાયો હતો. પોલીસે દરોડા દરમિયાન રોકડ, દાગીના અને મિલકતના દસ્તાવેજો સહિત પોણા ચાર કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું હતું. પ્રથમ કેસમાં બંને આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ચુક્યા છે.

