અરજદારોને થતી હાલાકી નિવારવા લેવાયો નિર્ણય
કચ્છ જિલ્લા પંચાયત ખાતે સોમવાર અને ગુરુવારે અનિવાર્ય અને જરૂરી સંજોગો સિવાય હવેથી બેઠક ન રાખવા નિર્ણય કરાયો છે. જિલ્લાભરમાંથી અને દૂરથી આવતા અરજદારોને તકલીફ પડતી હોવાની બાબતને ધ્યાને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણએ જિલ્લા પંચાયતમાં સોમવાર અને ગુરુવારના દિવસે ખાસ સંજોગો સિવાય બેઠકો ન યોજવા સૂચના જારી કરી હતી. જિલ્લા પંચાયતના મહિલા અધ્યક્ષાએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હોવાનું સતાવાર સાધનોએ જણાવ્યું હતું. સોમ અને ગુરુવારે રજૂઆત માટે આવતા અરજદારો દ્વારા અધિકારીઓ બેઠકમાં હોવાથી મળી શકતા નથી તેવી ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારોને હાલાકી ન થાય તે માટે અઠવાડિયાના આ બંને દિવસ દરમિયાન બેઠક ન યોજવા માટે પંચાયતની તમામ શાખાને પણ સૂચના અપાઈ હોવાની વિગતો આ સાધનોએ આપી હતી.

