મસ્કામાં ૧૧ હજાર ચો.મી. સરકારી જમીનનું દબાણ હટાવાયું

ખેડવાણ, મકાન અને ચારે તરફ બનાવાયેલી વાડ દૂર કરાયા

માંડવી તાલુકાના મસ્કા ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. કલેક્ટર કચ્છ અને પ્રાંત અધિકારી મુંદરાના માર્ગદર્શન હેઠળ મામલતદાર માંડવીની ટીમે સરકારી જમીન પરનું આ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી. મસ્કા ગામના સરકારી સરવે નંબર ૩૬૮/૦૦૧ પૈકીની જમીનમાં રિપુલ બાબુભાઇ કાનજીભાઈ પટણી દ્વારા કુલ ૧૧,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર આ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર ખેડવાણ કરવામાં આવ્યું હતું તેમજ રહેણાંક મકાન બનાવવામાં આવ્યું હતું. ઉપરાંત જમીનની ફરતે વાડ પણ બનાવી દેવામાં આવી હતી. તેવું તંત્રએ જણાવ્યું હતું. આ સરકારી જમીનની જંત્રી મુજબની કિંમત રૂ. ૮,૮૦,૦૦૦ હોવાનું તંત્રની યાદીમાં જણાવાયું છે. કામગીરીનું નેતૃત્વ મામલતદાર માંડવી પ્રદ્યુમનસિંહ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની આગેવાની હેઠળ સર્કલ ઓફિસર માંડવી (શહેર) વી.બી. જાડેજા, નાયબ મામલતદાર (દબાણ) સી.એમ. જોશી સહિતના અધિકારીઓ અને અન્ય સ્ટાફે કાર્યવાહી કરી હતી.