છ વર્ષે કાયદાના સકંજામાં આવ્યો રાસુભા સોઢા

લાંબા સમયથી ફરારી આરોપી જહેમત બાદ પકડાયો

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના દારૂને સંલગ્ન ગુનાઓમાં ફરારી આરોપી રાસુભા ઉર્ફે રાશિયો તગજી સોઢા, (સોઢાકેમ્પ, ખાનાય અબડાસા) અંતે છ વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ પખવાડિયાથી આરોપીને ઝડપી પાડવા જાળ બિછાવી વોચ ગોઠવી રાખી હતી. આ દરમ્યાન ખાનાય સીમાડા વિસ્તારમાં ખેડૂત અને સ્થાનિક રહેવાસી જેવો વેશ ધારણ કરીને કરાયેલી તપાસમાં ખાનાય સીમ ડુંગરની કોતરોમાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, આ શખ્સ વિરુદ્ધ નલિયા, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, ભુજ, પધ્ધર, દયાપર, નારાયણ સરોવર સહિતના પોલીસ સ્ટેશનોમાં 37 દારૂ સંબંધી ગુનાઓ નોંધાયેલા છે. અમુક ગુનામાં તેની ધરપકડ બાકી હોવાનું પણ સપાટી ઉપર આવ્યું હતું. ઓપરેશન ખોજ’ અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્સપેક્ટર એ.એમ.મકવાણા, સબ ઇન્સપેક્ટર જે.બી.જાદવ, એમ એચ. સિણોલ તથા સ્ટાફ દ્વારા દારૂના આ ધંધાર્થીને પકડી પડાયો હતો.