અંજારની ગંગા બજારમાં હાથચાલાકીનો પ્રયાસ થયો કેમેરામાં કેદ

ખરીદી કરતી મહિલા પાસેથી રૂપિયા સેરવવાનો પ્રયાસ નિષ્ફળ, મહિલા રોકડ ફેંકી ફરાર

અંજાર શહેરની ગંગા બજારમાં સોમવારે બપોરના સમયે ખરીદી કરી રહેલી મહિલા પાસેથી હાથચાલાકીથી રૂપિયા સેરવી લેવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો સામે આવતા બજારમાં ભારે ભીડ વચ્ચે થતી આવી શંકાસ્પદ પ્રવૃત્તિ ઉજાગર થઈ હતી.
મળતી માહિતી મુજબ, ગંગા બજારમાં એક મહિલા લારી પાસે ખરીદી કરી રહી હતી. આ દરમિયાન તેની આસપાસ રહેલી અન્ય એક મહિલાએ તકનો લાભ લઈ ખરીદીમાં વ્યસ્ત મહિલાના ખિસ્સામાંથી રોકડ રૂપિયા સેરવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રૂપિયા સેરવવાનો પ્રયાસ થતાં જ ખરીદી કરી રહેલી મહિલાને તેની જાણ થઈ હતી અને તે તરત જ સતર્ક બની ગઈ હતી. મહિલા સતર્ક થઈ જતાં રૂપિયા સેરવવાનો પ્રયાસ કરનાર મહિલાએ હાથમાં આવેલા રૂપિયા નીચે ફેંકી દીધા હતા. ત્યારબાદ તે ત્યાંથી ઝડપથી નીકળી ગઈ હતી. ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા બાદ ગંગા બજારમાં બનેલી આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોવાથી અંજારના મુખ્ય બજારોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટવાની શક્યતા છે. આવા સમયે ભીડનો લાભ લઈ હાથચાલાકી, પર્સ ચોરી કે રોકડ સેરવી લેવાની ઘટનાઓ ન બને તે માટે નાગરિકો અને પોલીસએ ખાસ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. તેમ જાગૃતઓએ કહ્યું હતું.