જખી બંદરે નામ નંબર વગરની બોટ ઝડપાઈ

મરીન પોલીસની તપાસમાં નિયમભંગ સામે આવ્યો, ટંડેલને નોટિસ

અબડાસાના જખી બંદરની જેટી ખાતે મરીન પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન બોટની પાછળના બંને ભાગે ફરજિયાત બોટનું નામ અને રજીસ્ટ્રેશન નંબર લખેલા ન હોવાનું સામે આવતા ટંડેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, કોન્સ્ટેબલ લાયાભાઈ મગનભાઈ રબારી તા.19/09/ના સાંજે જખૌ મરીન પોલીસ સ્ટેશનથી બંદર જેટી ખાતે બોટ ચેકિંગ માટે ગયા હતા. જેટીથી આશરે એક કિલોમીટર દૂર “યા નિઝામુદી” નામની બોટ જોવા મળી હતી.
બોટમાં રહેલા ટંડેલને પોલીસે પૂછતાં તેણે પોતાનું નામ જુસબ ઓસમાણ જસરાયા મૂળ સલાયા, તા. ખંભાળિયા, જી. દેવભૂમિ દ્વારકા, હાલ રહે. જખી બંદર હોવાનું જણાવ્યું હતું. બોટની તપાસ કરાતાં તેની પાછળના બંને બાજુ બોટનું નામ અને રજીસ્ટ્રેશન નંબર લખેલા ન હોવાનું જણાયું હતું. ફરિયાદ મુજબ ગુજરાત ફિશરીઝ એક્ટના નિયમો અનુસાર બોટની ચારેય બાજુથી નામ અને રજીસ્ટ્રેશન નંબર વાંચી શકાય તે રીતે દર્શાવવું ફરજિયાત છે. આથી નિયમનો ભંગ કરવા બદલ ટંડેલ જુસબ જસરાયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ પોલીસે જણાવ્યું હતું.