રેલવે પરિયોજનાઓ, સુવિધાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ

ચાર ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ રાષ્ટ્રને સમર્પણ, ગોપાલપુરી રેલવે સ્ટેશનનું ઉદઘાટન

ગુજરાતમાં રેલવેના માળખાકીય માળખા, માલસામાન પરિવહન સુવિધાઓ અને યાત્રીઓની કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 15 સપ્ટેમ્બર મંગળવારના વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ રેલવે પરિયોજનાઓ અને યાત્રીઓની સુવિધાઓનું લોકાર્પણ, શિલાન્યાસ, ઉદઘાટન અને શુભારંભ કરવામાં આવશે.
આ પ્રસંગે રેલવે મંત્રી દ્વારા કચ્છના શિવલખા — ભીમાસર ઉપરાંત દેવલિયા અને ચંડીસર ખાતે આવેલા ચાર ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સાથે લિંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરવામાં આવશે, ગાંધીધામ પાસેના ગોપાલપુરી રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવશે. તો અંજાર સ્ટેશન પર ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ પણ કરવામાં આવશે. આ સ્થળો પર આયોજિત કાર્યક્રમોમાં સંબંધિત વિસ્તારના રાજ્ય મંત્રી, સાંસદ લોકસભા અને રાજ્યસભા, ધારાસભ્ય અને અન્ય જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહેશે. આ તમામ પરિયોજનાઓ અને યાત્રીઓની સુવિધાઓથી ગુજરાતમાં માલસામાનના પરિવહન, વેપારી પ્રવૃત્તિઓ, લોજિસ્ટિક્સ સુવિધાઓ અને યાત્રી રેલવે કનેક્ટિવિટીને વધુ ઝડપ અને મજબૂતી મળશે.
રેલવે મંત્રી દ્વારા ગોપાલપુરી રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવશે. આ સ્ટેશનના વિકાસથી વિસ્તારમાં રેલવે સંપર્ક અને યાત્રીઓની સુવિધાઓ મજબૂત થશે તથા આસપાસના યાત્રીઓ માટે રેલવે પરિવહનની પહોંચ વધુ ઉત્તમ થશે. આ નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદ અને ભુજ તરફથી આવતી-જતી ટ્રેનો માટે ગાંધીધામ ખાતે એન્જિન રિવર્સલની જરૂર રહેશે નહીં, જેનાથી પરિચાલન સમયની બચત થશે.
ભીમાસર સ્થિત AFGB ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ Arya Freight Terminal Pvt. Ltd. દ્વારા કરવામાં આવ્યો છે. આ પરિયોજનામાં લગભગ રૂ.75 કરોડનું કુલ રોકાણ છે, જેમાં રેલવેના પરિયોજના ઘટક તરીકે આશરે રૂ.24.21 કરોડ સામેલ છે. લગભગ 52 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ આ ટર્મિનલ ગાંધીધામ-સામાખ્યાળી સેક્શન પર આવેલું છે અને કન્ટેનર તથા સામાન્ય માલસામાનના હેન્ડલિંગ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. ટર્મિનલની અંદાજિત ક્ષમતા દર મહિને આશરે 60 આઉટવર્ડ અને 60 ઇનવર્ડ રેકની છે. આ પરિયોજનાથી લગભગ 1,000 લોકો માટે રોજગારીની તકો ઊભી થશે.
શિવલખા ખાતે આવેલ KEGS ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ KMT Engg. Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરિયોજનાનો પ્રસ્તાવિત કુલ ખર્ચ આશરે રૂ.200 કરોડ છે, જ્યારે રેલવેનો પરિયોજના ખર્ચ આશરે રૂ.12.97 કરોડ છે. આશરે 150 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ આ ટર્મિનલ સામાખ્યાળી-પાલનપુર સેક્શન પર આવેલું છે. અહીં રેલવે વેગન ઉત્પાદનની સાથે-સાથે કન્ટેનર ટ્રાફિકની સુવિધા વિકસાવવામાં આવશે. નવા ઉત્પાદિત રેલવે વેગનના દર મહિને આશરે 2-3 રેકની આઉટવર્ડ મુવમેન્ટ અને દર મહિને આશરે 10 કન્ટેનર રેક હેન્ડલ થવાની શક્યતા છે. આ પરિયોજનાથી આશરે 2,000-2,500 લોકો માટે રોજગારીની તકો ઊભી થશે.દરમ્યાન રેલવે મંત્રી દ્વારા ટ્રેન નંબર 22829/22830 ભુજ-શાલીમાર એક્સપ્રેસના અંજાર સ્ટેશન પર સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવશે. આ સ્ટોપેજ અંજાર અને આસપાસના વિસ્તારોના યાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ અને લાંબા સમયથી અપેક્ષિત રેલવે સુવિધા છે.
આ સ્ટોપેજથી યાત્રીઓને ભુજ-શાલીમાર એક્સપ્રેસ દ્વારા દેશના મુખ્ય શહેરો અને મહત્વપૂર્ણ સ્થળો સુધી સીધી અને અનુકૂળ યાત્રાનો લાભ મળશે. અંજારથી ટ્રેન પકડવા માટે યાત્રીઓએ અન્ય સ્ટેશનો સુધી જવાની જરૂરિયાત ઘટી જશે.