કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા તથા તેની ટીમ દ્વારા કચ્છમાં છેલ્લા 28 વર્ષોથી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. આ સેવાકાર્ય અવિરત રાખતા સોમવારે ભુજમા અંધજન મંડળ કે.સી. આર.સી. ખાતે દાતાઓના સહયોગથી 80 દિવ્યાંગ બાળકોને સ્કુલ ડ્રેસ અને સ્કુલ બેગ તથા 14 દિવ્યાંગ વ્યક્તિઓને વ્હીલચેર, 6 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન અને 3 દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સાધન સહાય અર્પણ સમયે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ જોશી, અંધજન મંડળ કે.સી.આર.સી.ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવીના પ્રમુખ દિનેશભાઈ શાહ, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છના પ્રમુખ રાજુભાઈ પલણ, જાણીતા લેખક પબુભાઈ ગઢવી -‘પુષ્પ’, સુખપરના દાતા વાલજીભાઈ વાઘજીયાણી, આકાશવાણી ભુજના પૂર્વ કેન્દ્ર નિયામક જયંતીભાઈ જોશી “શબાબ” અને ઇન્કમ ટેક્સ ઓફિસર શૈલેષભાઈ ચૌહાણ અને કલ્પનાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મહેમાનોના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ અંધજન મંડળ કે.સી.આર.સી. અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ પલણે કર્યું હતું. આભારવિધિ દિનેશભાઈ શાહે કરી હતી.
દાતાઓના સહયોગથી 103 દિવ્યાંગને સાધનો અર્પણ

