સંસ્કારો સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપતી સ્પર્ધા

ભુજ : અણુવ્રત આંદોલન દ્વારા બાળકો, યુવાનો તથા સમાજના દરેક વર્ગમાં નૈતિકતા, ચારિત્ર્યનિર્માણ અને જીવનમૂલ્યોની જાગૃતિ કેળવવાના હેતુથી ‘અણુવ્રત પ્રબોધન પ્રતિસ્પર્ધા–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અણુવ્રતના માનવીય મૂલ્યોને અભ્યાસ અને આત્મચિંતન સાથે જોડતી આ સ્પર્ધામાં સહભાગી થનાર પ્રતિભાઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ સ્પર્ધા માત્ર સામાન્ય જ્ઞાન કે સ્પર્ધાત્મક પરીક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અણુવ્રતના મૂળભૂત વિચારો, નૈતિક જીવનપદ્ધતિ, સંયમ, સત્યનિષ્ઠા અને જવાબદાર નાગરિકત્વ જેવા જીવનઘડતરનાં મૂલ્યો સાથે જોડાયેલી છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં નવી પેઢીમાં સારા સંસ્કારો અને જવાબદારીની ભાવના વિકસે તે દૃષ્ટિએ આ પ્રકારની પ્રવૃત્તિનું વિશેષ મહત્ત્વ છે.
પ્રથમ ત્રણ વિજેતાઓને રૂ. 31,000, રૂ. 21,000 અને રૂ. 11,000ના પુરસ્કાર પ્રતિસ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકો માટે ત્રણ મુખ્ય પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ‘સ્વાધ્યાય સન્માન’ હેઠળ રૂ. 2,000ના પુરસ્કારની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ સ્પર્ધા માત્ર વિજેતાઓને પુરસ્કૃત કરવાની પ્રવૃત્તિ ન બની રહેતાં વધુમાં વધુ લોકો અણુવ્રતના વિચારો સાથે જોડાય અને તેનો સ્વાધ્યાય કરે તેવો ઉદ્દેશ ધરાવે છે. નવીન–પ્રમિલા, હર્ષ–નેહા તથા દેવાંશ–સ્વાતિ દુગડ (પઢિહારા–કોલકાતા) દ્વારા આ પ્રાયોજન કરવામાં આવ્યું છે.
શાખા સમિતિઓને પુસ્તક તથા પ્રશ્નપુસ્તિકા માટે અણુવ્રત વિશ્વ ભારતીના 98793 60855 નંબર પર મહેશ પ્રભુલાલ મહેતાનો સંપર્ક કરવા જણાવાયું છે.જ્યારે પ્રશ્નો અંગેની માહિતી માટે 9950030181 (સંયોજક) પર બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે. વધુ વિગતો માટે અશોક ખંડોર,નરેન્દ્ર મહેતા, વાડીલાલ મહેતા, નવીન શાહ, દિનેશ મહેતા વિગેરે નો સંપર્ક કરવા જણાવાયું છે.