મોટી નાગલપર ગામે પંચાયત ઘરનું લોકાર્પણ

૨૪ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનથી ગ્રામજનોને ઘરઆંગણે મળશે વિવિધ જનસુવિધા

અંજાર તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે નવીન પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજ્યમંત્રીએ અંદાજે  ૨૪ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરની ભેટ આપતા ગ્રામજનોને જણાવ્યું હતું કે, શહેરો જેવી સુવિધાઓ ગામડાઓમાં ઉપલબ્ધ બને અને છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એ જ ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર  કામગીરી કરી રહી છે.  ગ્રામ પંચાયતના સેવક અને દીકરીઓને પ્રાથમિકતા આપીને તેમના હસ્તે નવા પંચાયત ભવનનું લોકાર્પણ કરાવીને રાજ્યમંત્રી ત્રિકમભાઈએ જણાવ્યું હતું કે, મોટી નાગલપર ગામનો સંપ એ જ સૌથી મોટી મૂડી છે. તેમણે  ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર વિકાસને પ્રાથમિકતા આપીને કામગીરી કરી રહી છે. આજે ગ્રાન્ટના અભાવના કારણે એકપણ વિકાસકાર્ય અટકી રહ્યું નથી.
અંજારના પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે લોકાર્પિત થયેલું નવીન પંચાયત ઘર એ સરકારના પ્રજાભિમુખ પારદર્શી વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. આ ભવનથી ગ્રામ્યકક્ષાએ મળવાપાત્ર વિવિધ સેવાઓનો લાભ મેળવવાનો નાગરિકોનો અનુભવ વધુ સુગમ બનશે. પ્રાંત અધિકારીશ્રીએ એટીવીટી અંતર્ગત ગામના વિકાસ માટે અંદાજે રૂ. ૫ લાખ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરીને મોટી નાગલપરમાં નિયમોનુસાર વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ જયેશભાઈ જેઠવા, અગ્રણી  નરેશભાઈ મહેશ્વરી, બી.કે. આહિર, ભગવાનજીભાઈ રાઠોડ, કાનજીભાઈ આહીર, નૌતમભાઈ ચૌહાણ, નરેશભાઈ થારુ, મનજીભાઈ આહિર, શામજીભાઈ બરાડિયા, જ્યોતિબેન ટાંક, હેતલબેન ચાવડા, તાલુકા વિકાસ અધિકાર ભાવેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.