સેલ્સમેન પરિવાર સાથે બહારગામ ગયા અને પાછળ બની તસ્કરીની ઘટના
ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસના સમાજનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૩,૦૧,૫૦૦ની માલમત્તા ચોરી કરી ગયા હતા. પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં રાખેલા કબાટની તિજોરીમાંથી દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ અંગે મકાનમાલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી રેનિશભાઈ પોપટલાલ હંસોરા છેલ્લા ત્રણ વર્ષથી ગ્લેનમાર્ક કંપનીમાં ભુજ અને ભાવનગર ખાતે સેલ્સમેન તરીકે કામ કરે છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ તા. ૪ ઑક્ટોબના સવારે હૈદરાબાદ કામ અર્થે ગયા હતા. તે જ દિવસે સાંજે તેમની પત્ની ઉપાસનાબેન પુત્ર વિયાંશને લઈને પોતાના પિતા વિનોદભાઈના ઘરે હિસણીનગર માધાપર ખાતે ગયાં હતાં. ૭ ઑક્ટોબરની રાત્રે આશરે ૧૧ વાગ્યે રેનિશભાઈ પત્ની અને પુત્ર સાથે ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરમાં તપાસ કરતાં બેડરૂમનાં બે કબાટનો સામાન વેરવિખેર હતો અને અંદરની તિજોરીનું લોક પણ તૂટેલું હતું. ફરિયાદ મુજબ તિજોરીમાંથી એક તોલાનું મંગળસૂત્ર અને એક તોલાની સોનાની ચેન, બે પોંચી, બે વીંટી, ચાર બુટ્ટી તથા ત્રણ પેન્ડલ સહિત આશરે રૂ. ૨,૩૫,૦૦૦ના સોનાના દાગીના ચોરાયા હતા. આ ઉપરાંત ચાંદીના છ જોડી નજરીયા, વાટકી-ચમચી, પાંચ જોડી સાંકળા, બુટ્ટી-બ્રેસલેટ, નાની ગાય, તુલસીનો ક્યારો, ત્રણ પોંચી, બે બંગડી અને એક વીંટી સહિતની વસ્તુઓ તથા રૂ. ૨૫,૦૦૦ રોકડની ચોરી થઈ હતી.

