ભુજ ખાતે આર.ટી.આઈ પરિસંવાદ યોજાયો

ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજન, બી કલેક્ટર કચેરીના સ્ટાફે ભાગ લીધો

ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘RTI Week Celebration’નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા ૯ ઓક્ટોબરના ભુજ કલેક્ટર ઓફિસ ખાતે “આર.ટી.આઇ. સપ્તાહ ઉજવણી – ૨૦૨૬” અંતર્ગત પરિસંવાદ રાજ્ય મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પરિસંવાદમાં વાવ-થરાદ, બનાસકાંઠા ખાતેથી કલેક્ટર સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
શરૂઆતમાં કચ્છ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. રાજ્ય મુખ્ય માહિતી કમિશનર, કલેકટર અને નિવાસી અધિક કલેકટરના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ મુખ્ય માહિતી કમિશનરને આવકારીને જણાવ્યું હતું કે, આર.ટી.આઈના કાયદાથી દેશમાં લોકશાહીને નવું બળ મળ્યું છે અને લોકશાહી વધુ મજબૂત બની છે. મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયરે માહિતી અધિકાર અધિનિયમને લગતી સમજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી ભૂલો વિશે માહિતી આપીને તેમણે જણાવ્યું હતું કે, અરજદારની અરજીને પ્રાથમિકતા આપીને માહિતી નિયત સમય મર્યાદામાં આપવી જોઈએ.‌ પરિસંવાદમાં સહભાગી તમામ અધિકારી-કર્મચારીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આર.ટી.આઈ અધિનિયમની માહિતી પુરી પાડવામાં આવી હતી. અધિક કલેક્ટર પી.એલ.વિઠાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, કચ્છ જિલ્લાના અધિકારીઓ સહિત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.