૧૪ વર્ષના કિશોર સાથે દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની કેદ

ભુજની ખાસ કૉર્ટનો ચુકાદો, 50 હજારનો દંડ ,ભોગ બનનારને ૩ લાખ વળતરનો આદેશ

૧૪ વર્ષના કિશોરને કબૂતર બતાવવાના બહાને કારમાં બેસાડી નિર્જન સ્થળે લઈ જઈ તેની સાથે વારંવાર અપ્રાકૃતિક કૃત્ય સાથે દુષ્કર્મ આચરવાના તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપવાના નવેમ્બર 2024ના ફોજદારી ગંભીર ગુનામાં દયાપરના મનસુખ ભગવાનભાઈ બારૈયાને ભુજની સ્પેશ્યલ કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને 50 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ભોગ બનનાર કિશોરને ત્રણ લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરવાનો પણ હુકમ કર્યો છે.
કેસની પૂર્વ વિગતો મુજબ, નવેમ્બર-૨૦૨૪માં દિવાળી વેકેશન દરમિયાન ૧૪ વર્ષ અને ૧૧ માસનો કિશોર તેના મિત્ર સાથે હતો. એક દિવસ સાંજે બંને મિત્રો કબૂતર જોવા જતાં રસ્તામાં મિત્રના સગા કાકા મનસુખ બારૈયા મળ્યા હતા. કબૂતર બતાવવાનું કહી આરોપીએ બંનેને પોતાની આઇટેન કારમાં બેસાડ્યા હતા અને મોરગર સીમ વિસ્તારમાં નિર્જન સ્થળે લઈ ગયો હતો. જ્યાં ભોગ બનનાર કિશોરની ઉંમર જાણતો હોવા છતાં આરોપીએ તેની મરજી વિરુદ્ધ ડરાવી-ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, બીજા સગીર સાહેદને પણ ડરાવી કૃત્યનો વીડિયો અને ફોટા બનાવડાવ્યા હતા. ત્યારબાદ આ વીડિયો-ફોટા વાઇરલ કરવાની ધમકી આપી કિશોર સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે દયાપર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૫૧(૨) તથા પોક્સો એક્ટની કલમ ૩(એ), ૪, ૫(એલ) અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ પૂર્ણ કરી દયાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ભોલાએ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. ભુજની સ્પેશ્યલ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલેલા કેસમાં પ્રોસીક્યુશન તરફથી ૩૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા અને ૧૪ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
કોર્ટે પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ અલગ-અલગ ૨૦ વર્ષની સખત કેદ તથા રૂ. ૨૫-૨૫ હજારના દંડની સજા ફટકારી હતી. ઉપરાંત, બી.એન.એસ.ની કલમ ૩૫૧(૧) હેઠળ એક વર્ષની સખત કેદ અને રૂ. ૧,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા પણ હુકમ કર્યો હતો. પ્રોસીક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહયા હતા.