પાલારા જેલની ઘટના, સાથી કેદીના માથામાં પથ્થર માર્યો
ભુજમાં ત્રણ દિવસ અગાઉ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે બિહારના યુવકના માથામાં લોખંડનો પાઈપ મારી તેની હત્યા કરનાર દીપાંશુ ચેતન વિશ્વકર્માએ હવે પાલારા જેલમાં પણ સાથી કેદી પર હુમલો કરતાં ચકચાર મચી છે. હત્યાના ગુનામાં જેલમાં ધકેલાયા બાદ દીપાંશુએ શનિવારે રાત્રે પોતાની બેરેકમાં 30 વર્ષીય અબ્બાસ ઈસ્માઈલ સમાના માથામાં પથ્થર માર્યો હતો. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ હુમલામાં અબ્બાસ લોહીલુહાણ થઈ જતાં તેને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પાલારા જેલના હવાલદારે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. બહાર આવેલી વિગતો મુજબ, દીપાંશુ રાત્રે બેરેકમાં હતો ત્યારે બાથરૂમમાં ગયો હતો અને પથ્થર લઈને પરત આવ્યો હોવાનું ફરિયાદમાં પોલીસને જણાવાયું છે.

