રાપર ખોખરામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

1.02 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી પકડાયા

અંજાર તાલુકાના રાપર ખોખરા ગામ નજીક પીરવાળા ડેમની પાળ પાસે બાવળની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન કુલ રૂ.1,02,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
અંજાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ 4 ઓક્ટોબરના વહેલી સવારે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાપર ગામ પાસે પીરવાળા ડેમની પાળની બાજુની બાવળની ઝાડીઓમાં મોહનસિંહ ગેમુભા ચાવડા સાગરીતો સાથે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડતા ત્રણ શખ્સ પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા. પોલીસે કોર્ડન કરી ત્રણેયને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળની તપાસ કરતાં બે અલગ-અલગ ચુલા ઉપર આશરે 200-200 લીટરની ક્ષમતાના લોખંડના બેરલ મળી આવ્યા હતા. બંને બેરલમાંથી કુલ 200 લીટર ગરમ આથો મળી આવ્યો હતો. ઉપરાંત પાંચ બેરલમાંથી કુલ 1,000 લીટર ઠંડો આથો મળી આવ્યો હતો. આ ઉપરાંત 18 પ્લાસ્ટિકના કેરબામાં ભરેલો 360 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રાપર (ખોખરા), તા.અંજારના મોહનસિંહ ગેમુભા ચાવડા , સાજણભાઈ કારાભાઈ મકવાણા અને વિજય બાબુભાઈ વડેચાને ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.