ભુજની ડો. વિધી આયુર્વેદ PGમાં ભારતમાં જનરલ કેટેગરીમાં પ્રથમ

તેજસ્વી યુવતીની સિદ્ધિને બિરદાવાઈ

રાષ્ટ્રીય કક્ષાની આયુર્વેદ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ પરીક્ષા AIAPGET (PG NEET)ના પરિણામમાં મૂળ ભુજના ડો. વિધિ નિશીથ ધોળકિયાએ જનરલ કેટેગરીમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન તેમજ ઓલ ઇન્ડિયા રેન્કમાં દ્વિતીય સ્થાન (AIR 2) પ્રાપ્તકર્યું છે. ડો. વિધિ ધોળકિયાના પિતા નિશીથ ભુપેન્દ્રભાઈ ધોળકિયા ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં સેવાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડો. વિધિ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી રહ્યા છે. તેમણે ભુજની માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરી વર્ષ ૨૦૧૭માં ધોરણ ૧૦ માં A1 ગ્રેડ મેળવ્યો હતો. ત્યારબાદ ભાવનગર ખાતે આયુર્વેદ મેડિકલ કોલેજમાંથી આયુર્વેદની ઉપાધિ (BAMS) મેળવી હતી. વર્ષ ૨૦૨૩માં જામનગર ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ રાજ્યપાલના હસ્તે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
​ડો. વિધિની આ રાષ્ટ્રીય સિદ્ધિ બદલ ભુજ ખાતે શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હાટકેશ સેવા મંડળ અને સંસ્કૃત પાઠશાળા, ભુજ દ્વારા શુભેચ્છા ઠરાવ પસાર કરાયો હતો. વિભાકરભાઈ અંતાણીએ ડો. વિધિની મહેનત અને તેજસ્વિતાને બિરદાવી હતી. વડનગરા નાગર મંડળ, ભુજના પ્રમુખ તેમજ સમગ્ર ગુજરાત નાગર પરિષદના ઉપપ્રમુખ અતુલભાઈ મહેતા તથા સમગ્ર ગુજરાત નાગર પરિષદના ઉપપ્રમુખ સુભાષભાઈ ભટ્ટ એ પણ જણાવ્યું હતું કે, કચ્છ-ભુજની નાગર સમાજની દીકરીએ સમગ્ર ભારતભરમાં ભુજ અને સમાજનું નામ રોશન કર્યું છે, જે ગૌરવપ્રદ ક્ષણ છે.