નવરાત્રીના યાત્રીઓ અને ભાવિકો માટે મઢ બને છે સજ્જ

કચ્છ કુળદેવી સ્થાનકે વ્યવસ્થાને અંતિમ ઓપ આપવાનો વ્યાયામ

કચ્છના કુળદેવી, કચ્છ ધણીયાણી માં આશાપુરના સ્થાનક લખપત તાલુકાના માતાનામઢમાં અશ્વિન નવરાત્રી નવરાત્રી અન્વયે તૈયારીઓ શરૂ કરવા સાથે તંત્ર અને જાગીર ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. માતાનામઢ ખાતે આસો નવરાત્રીમાં દર્શનાર્થે આવતા યાત્રીઓ અને પદયાત્રીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ અન્વયે યોજાયેલી બેઠકમાં વિવિધ સૂચનો કરવા સાથે સમીક્ષા કરી આયોજનને ઓપ આપવામાં આવ્યો હતો.
પદયાત્રીઓ માટે પાણી, ભોજન અને આરામ સહિતની રાબેતા મુજબની પરંપરાગત વ્યવસ્થા ગોઠવવામાં આવશ. તો યાત્રીઓ અને પદયાત્રીઓ માટે 165 જેટલી બસો દોડાવવામાં આવશે. તેવી વિગતો અપાઈ હતી. મંદિર પરિસરથી એક કિલોમીટર દૂર મેગા કેમ્પ શરૂ કરાશે, જ્યાં પાણી સાથે ભોજન અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્રની વિવિધ ટીમો તૈનાત રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું જણાવાયું હતું. અઅશ્વિની નવરાત્રી દરમિયાન માતાનામઢ ખાતે આશાપુરાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેને કેન્દ્રમાં રાખીને સમગ્ર વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. મઢ સ્થાનકે 10 ઓક્ટોબરના ઘટ સ્થાપના સાથે ઉજવણીનો પ્રારંભ થશે છેલ્લા કેટલાક સમયથી નવરાત્રી પ્રારંભ પહેલા શ્રાદ્ધ પક્ષમાં જ પદયાત્રીઓનું આગમન શરૂ થઈ જતું હોવાથી તે બાબત ધ્યાનમાં રાખીને પણ આયોજન ગોઠવાઈ રહ્યું છે