બચાવવા આવેલા સબંધીને પણ માર મરાયો
નખત્રાણા તાલુકાના ઉઠંગડી ગામે પ્લોટમાંથી પસાર થવાના મુદ્દે બોલાચાલી બાદ મહિલા સહિત બે વ્યક્તિ પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં મહિલાને પથ્થર અને કુહાડીના હાથા વડે ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ મુકાયો છે, તેને બચાવવા આવેલા તેના મામાને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.
ઉઠંગડી ગામે રહેતા કેસરબાઈ ખોસમાણ (ઉં.વ. 45)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ઘરની સામે આવેલો પ્લોટ તેમનો હોવા ઉપરાંત ત્યાંથી ચાલવા માટે ગામના ફતેહખાન આચાર ભટ્ટી અને હસન આચાર ભટ્ટીને મનાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન ફતેહખાન આચાર ભટ્ટી મોટરસાયકલ લઈને પ્લોટના રસ્તેથી પસાર થયો હતો. કેસરબાઈને બચાવવા તેમના મામા જગમાલભાઈ મામડ બાટી પહોંચ્યા ત્યારે તેમને પણ મુક્કા મારવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત કેસરબાઈ અને જગમાલભાઈને તેમના સગા નખત્રાણા સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખસેડાયા હતા. મામલે કેસરબાઈએ ફતેહખાન, હસન અને અકબર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

