કામ બાબતના ઝઘડાની અદાવત બની જીવલેણ

અવધનગર નજીક મિસ્ત્રીએ મજૂરની હત્યા કરી, આરોપીની ધડપકડ

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ટોલનાકાથી આગળ અવધનગર પાસે બની રહેલા નવા પુલિયા નજીક કામના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં મિસ્ત્રીએ લોખંડની અણીવાળી ટામીથી મજૂર પર જીવલેણ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. પદ્ધર પોલીસે સ્થળ પરથી આરોપી બિમલ શિવપ્રસાદ ચમાર (ઉં. વ. ૩૦), પલીહવા જી. નવલપરાસી, નેપાળને ઝડપી લીધો હતો. પકડાયેલા બિમલની પૂછપરછમાં મૃતકનું નામ રાજેન્દ્ર રજપતી યાદવ, રહે. પલીહવા, જી. નવલપરાસી, નેપાળ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ બંને નજીકમાં ચાલી રહેલા પુલિયાના બાંધકામમાં મજૂરી કરતા હતા. આરોપી મિસ્ત્રી હતો અને રાજેન્દ્ર તેની નીચે કામ કરતો હતો. કામ કરવાની રીત અંગે અગાઉ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સાંજે ફરી ઝઘડો થતાં રાજેન્દ્રએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. ઝગડા દરમ્યાન બિમલ નજીકની પંચરની દુકાને દોડી ગયો હતો અને ત્યાંથી બંને બાજુ અણીવાળી લોખંડની ટામી લઈ આવ્યો હતો. રાજેન્દ્રએ પથ્થર ફેંકતાં ગુસ્સે ભરાયેલા બિમલે ટામીના અણીદાર ભાગથી તેની છાતીમાં એક ઘા કર્યો અને ત્યારબાદ બીજા બે-ત્રણ ઘા તથા માથામાં એક ઘા માર્યો હોવાનું તેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું.