ભુજના ધારાશાસ્ત્રી મગનભાઈ ગઢવીની પસંદગી, શિસ્ત સમિતિમાં અપાયું સ્થાન
દેશની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા અન્વયે રાજ્યની વડી અદાલતની મંજૂરી બાદ રાજ્યના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકોના વધારા માટે લેવાયેલો નિર્ણય ધારણા મુજબ કચ્છને ફળ્યો છે. આજે સત્તાવાર રીતે કરાયેલી ઘોષણા મુજબ કચ્છ ભુજના યુવા ધારાશાસ્ત્રી મગનભાઈ રાજીયાભાઈ ગઢવીને રાજ્ય બારના સદસ્ય તરીકે વિધિવત રીતે સમાવી લેવાયા છે અને તેમને શિસ્ત સમિતિમાં કો ઓપટ સભ્ય તરીકે માનભર્યું સ્થાન અપાયું છે. આ શિસ્ત સમિતિના કો ઓપટ ચેરમેન તરીકે મૂળ કચ્છના વતની પરિવારના ધારાશાસ્ત્રી અનિલભાઈ કેલાને જવાબદારી સોંપાઈ છે.
મૂળ માંડવી તાલુકાના પાંચોટીયા ગામના વતની એડવોકેટ મગનભાઇ ગઢવી ભુજમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. રાજ્ય બારની ગત ચૂંટણીમાં તેઓ થોડા મતથી પાછળ રહી જવા સાથે મહિલા અનામત બેઠકોને લઈને ચૂંટાયેલા જાહેર થયા ન હતા. દરમ્યાન મહિલા અનામતની જેટલી બેઠક નક્કી કરાઈ તેટલી રાજય બારની બેઠક વધારવાની સુપ્રીમ કોર્ટએ માર્ગદર્શિકા આપતા રાજ્યની હાઇકોર્ટ દ્વારા આ માટે મંજૂરી અપાઈ હતી. જેના અનુસંધાને નિર્ણય કરાતા પરાસ્ત જાહેર થયેલા અગ્ર હરોળના પાંચ ઉમેદવારને વિજેતાની જેમ બારમાં સ્થાન અપાયું છે. ભુજના શ્રી ગઢવી આ યાદીમાં ત્રીજા સ્થાને હોવાથી તેમને સમાવી લેવાયા છે. જેના કારણે વકીલોની રાજ્યની મુખ્ય સંસ્થામાં કચ્છને મગનભાઈના સ્વરૂપે ફરી પ્રતિનિધિત્વ મળ્યું છે. રાજ્ય બાર કાઉન્સિલ દ્વારા આજે આ બાબતે વિધિવત ઘોષણા કરવા સાથે મગન ગઢવીને બારની શિસ્ત સમિતિમાં કો ઓપટ સ્થાન અપાયું છે. આ નિર્ણયથી કચ્છની વકીલ આલમમાં પણ કચ્છને પ્રતિનિધિત્વ મળવા બદલ ખુશી વ્યાપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મગનભાઈ અગાઉ રાજ્ય બારની શિસ્ત સમિતિના કો ઓપટ સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે. આ દરમ્યાન તેમના દ્વારા વકીલોના હિતમાં થયેલી ઓળખપત્ર સહિતની વિવિધ કામગીરી અને વિવિધ બારને તેમના દ્વારા મળેલો સહયોગ સમગ્ર રાજ્યમાં જાણીતા બન્યા હતા.
મગન રાજીયા ગઢવી હાલે નરેન્દ્ર મોદી વિચાર મંચમાં લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ તરીકે અને વકીલોના રાષ્ટ્રીય ફોરમમાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. મંચમાં તેમણે વિવિધ મહત્વના હોદ્દા ઉપર અગાઉ સેવા આપી છે. તો કચ્છમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે.

