અભ્યાસથી વંચિત બાળકોને કિટનું વિતરણ – સન્માન

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની  ઉપસ્થિતિમાં ભુજ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર ખાતે બેક ટુ સ્કુલ અભિયાન અને અભ્યાસથી વંચિત બાળકોને કિટનું વિતરણ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવા (ડ્રોપ-આઉટ દર ઘટાડવા) માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ભગીરથ પ્રયાસો સરાહનીય છે. આ માત્ર સરકારનો જ નહીં પરંતુ શિક્ષકો, સી.આર.સી, બી.આર.સી અને સમગ્ર સમાજના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા કાર્યો અને શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને યાદ કરીને ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવા પેઢી પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી શુભેચ્છા રાજ્યમંત્રીએ પાઠવી હતી.  કાર્યક્રમમાં બેક ટુ સ્કૂલ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓ તેમજ શાળા છોડી ગયેલા પુન:પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના સન્માન સાથે  શાળા છોડી પુન:પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા.
 જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કચ્છમાં ડ્રોપ આઉટ ઘટાડવા માટે થયેલી કામગીરીની વિગતો આપી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઇ રૂડાણી, કૉ-ઓપ્ટ સભ્ય રશ્મિભાઈ ઠક્કર,  કચ્છી લેવા પટેલ મેડીકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં કૃતિબેન લહેરુ, ઇસાર સંસ્થા રાપરનાં મીનાબેન મેરિયા તથા  આચાર્યો, શિક્ષકો,વિદ્યાર્થઓ ઉપસ્થિત રહ્યા હતા  સંચાલન ભૂમિબેન ચોકસીએ જયારે આભારવિધિ શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીએ કરી હતી.