આઠ ટેન્કર પણ આગની ઝપટમાં, વેસ્ટ ઓઇલના ગોદામની ઘટના
ભુજ તાલુકામા અંજાર ધોરીમાર્ગ ઉપર કુકમા નજીકના વિસ્તારમાં બંધ ઓઇલ ડેપોમાં શનિવારે ભયાનક આગ લાગતા જબબર ભાગદોડ મચી હતી. આગની વિકરાળ જ્વાળાઓ સાથે ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં લોકોમાં ભય છવાયો હતો. આ બનાવમાં સમગ્ર ગોદામ આગની ઝપેટમાં આવી જતાં આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ સહિતની ટીમોને કલાકો સુધી ભારે જહેમત કરવી પડી હતી. ઘટનાની જાણ થતાં પદ્ધર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભુજ નગરપાલિકાના ફાયરબ્રિગેડની સાત ટીમો ઉપરાંત અન્ય ફાયર ફાઇટરોની ટીમો પણ પહોંચી હતી. પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરાયા હતા.
કુકમા વિસ્તારમાં વેસ્ટ ઓઇલના પ્રોસેસિંગ માટેના ગોદામમાં આ આગ લાગી હતી. આગ લાગી તે સમયે ત્યાં પાંચથી સાત ભરેલા ટેન્કરો વેસ્ટ ઓઇલ ઠાલવવા આવ્યા હતા. તો અન્ય આઠ ટેન્કર ભરેલા ઊભા હતા. આગ ફાટી નીકળતાં સમગ્ર ગોદામ લપેટમાં આવી ગયું હતું. તેવું સત્તાવાર સાધનોએ કહ્યું હતું.
પ્રાંત અધિકારી, માધાપર પોલીસ તથા આર્મીના જવાનો પણ સ્થળ પર પહોંચી આવ્યા હતા. ભુજ નગરપાલિકા, બીકેટી કંપની સહિતના સ્થળથી પાણીના ટેન્કરો બોલાવી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. દરમ્યાન બહાર આવેલી વિગતો મુજબ આ ગોદામ માટે 2011માં ઓમેગા કંપની માટે જમીન બિનખેતી કરાવવામાં આવી હતી અને વેસ્ટ ઓઇલના પ્રોસેસિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. જેસીબીની મદદથી દીવાલો તોડી પાણીના ટેન્કરોને અંદર પ્રવેશ કરાવાયા હતા.

