ચોરીનો માલ લેનાર ભુજનો ઈસમ પણ પોલીસ સકંજામાં
નખત્રાણા તાલુકામાં મંજલ ગામની સીમમાં વાડીમાં કેબલ ચોરી કરવા ગયેલા બે શખ્સએ સર્જેલી સાપરાધ મનુષ્યવધ સાથેની લૂંટની ચકચારી ઘટનામાં નખત્રાણા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે રીઢા ચોર હાસમ ઓસમાણ વાઢા, તેના સાગરીત સાએબ આમદ વાઢા તથા ચોરીનો કેબલ ખરીદનાર ભુજના ભક્તિનગરના ઝુબેર રઝાક કુંભારની ધરપકડ કરી છે. ૧૧ સપ્ટેમ્બરની મોડીરાત્રે મંજલની સીમમાં પરેશ માવાણીની વાડીમાં બોરની મોટર રીપેરિંગ માટે બહાર કઢાઈ હતી અને તેની સાથે આશરે ૨૫૦ ફૂટ લાંબો કેબલ પણ બહાર કઢાયો હતો. કેબલ ચોરાઈ ન જાય તે માટે ખેતમજૂર કિરણ દિનેશ નાયક (ઉ.વ. ૩૫, બોડેલી, છોટા ઉદેપુર) પત્ની સાથે બોર પાસે ખાટલો ઢાળીને સૂતો હતો.
દરમિયાન હાસમ અને સાએબ કેબલ ચોરી કરવા પહોંચ્યા હતા. બંનેને જોઈ મજૂર દંપતી જાગી જતાં બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ કિરણની છાતીમાં ઊંધી કુહાડીનો ઘા મારી દીધો હતો. કિરણને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પત્નીની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો સામે સાપરાધ મનુષ્યવધ તથા કેબલ લૂંટ સહિતની કલમો હેઠળ આ ગુનો નોંધ્યો હતો.
દરમ્યાન નખત્રાણા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે હાસમ વાઢા ( કાઢવાંઢ-ખાવડા, હાલ સોનાપુરી, માધાપર) અને સાએબ વાઢા ( મૂળ કાઢવાંઢ-ખાવડા, હાલ સોનાપુરી, માધાપર)ને ઝડપી પાડ્યા હતા. ચોરીનો કેબલ ખરીદનાર ઝુબેર રઝાક કુંભારની પણ ધરપકડ કરાઈ છે. તેવી વિગતો પોલીસ સાધનોએ આપી હતી.
આરોપી પૈકીના હાસમ સામે અગાઉ પાલનપુર સહિત પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં કેબલ ચોરી, વાહન ચોરી અને ઘરફોડી સહિત ૨૦ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે પશ્ચિમ કચ્છમાં કરેલી વધુ સાત કેબલ ચોરીની કબૂલાત કરી છે. નખત્રાણા પીઆઈ એ.એમ. પટેલ અને ટીમે અજાણ્યા આરોપીઓની ઓળખ કરી ત્રણેયને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

