માધાપરમાં ક્રેડિટ કાર્ડમાંથી 1.43 લાખ ગાયબ

મધરાત બાદ પાંચ વખત ટ્રાન્ઝેક્શન થતાં બેંકનો ફોન આવ્યો

ભુજ તાલુકાના માધાપરમાં રહેતા અને મેડિકલ લાઇનમાં નોકરી કરતા 31 વર્ષીય ભાવિનભાઈ નટવરલાલ સુથાર સાથે સાયબર છેતરપિંડીનો બનાવ બહાર આવ્યો છે. અજાણ્યા શખ્સે તેમના ક્રેડિટ કાર્ડનો તેમની જાણ કે મંજૂરી વિના ઉપયોગ કરી કુલ રૂ.1,43,702.95 ઉપાડી લેતાં તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કર્યા બાદ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 12 સપ્ટેમ્બરની વહેલી સવારે તેઓ ઘરે ઊંઘી રહ્યા હતા ત્યારે આશરે 5:30 વાગ્યે AU Small Finance Bank તરફથી ફોન આવ્યો હતો. બેંક કર્મચારીએ ક્રેડિટ કાર્ડ પરથી અનેક ટ્રાન્ઝેક્શન થયાની જાણ કરી હતી. ભાવિનભાઈએ આવા કોઈ વ્યવહાર કર્યા ન હોવાનું જણાવતાં તાત્કાલિક ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યું હતું. મોબાઈલમાં તપાસ કરતાં પાંચ ટ્રાન્ઝેક્શનના મેસેજ મળ્યા હતા. આ વ્યવહારો થકી કુલ રૂ.1,43,702.95ની રકમ ઉપડી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાયબર ફ્રોડની જાણ થતાં ભાવિનભાઈએ સવારે 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ માધાપર પોલીસ મથકે ફરિયાદ આપી અજાણ્યા આરોપી તથા તપાસમાં બહાર આવે તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.