ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા પરિવારના ઘરમાં તસ્કરી
મુંદરાના રાઈ ફળિયામાં ખોજા મસ્જિદની બાજુમાં રહેતા સમીરભાઈ શોકતઅલી ખોજાના બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. અજાણ્યો તસ્કર મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા આશરે રૂ.2.50 લાખ રોકડા ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી સમીરભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પિતા શોકતઅલી આંખેથી અંધ છે અને અગાઉ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ પેન્શન મેળવે છે.તા.10 સપ્ટેમ્બર ના બપોરે સમીરભાઈ, તેમની માતા યાસ્મીનબેન અને પિતા શોકતઅલી ઘર બંધ કરી તાળું મારી ધર્મગુરુ રહીમ આગાખાનના કાર્યક્રમમાં હાજરી આપવા નીકળ્યા હતા. આ પરિવાર અમદાવાદના રામચરણા પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યો હતો. ત્યાંથી સવારે ગાંધીનગરના સમાયા પાર્ટી પ્લોટમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરિવાર પરત ફર્યો હતો. મુંદરા પહોંચ્યા બાદ સમીરભાઈ, તેમના માતા-પિતા અને અન્ય સમાજના સભ્યો ઘરે પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતાં કબાટમાં પિતાના પેન્શનમાંથી ભેગા કરી રાખેલા આશરે રૂ.2.50 લાખ રોકડા ગાયબ હતા.આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

