જૂની મારામારીની ફરિયાદનું મનદુઃખ રાખી ત્રણ ઈસમનો હુમલો
ભુજના અનમરીંગ રોડ વિસ્તારમાં ફૂટવેરની દુકાન બહાર વેપારીને ત્રણ શખ્સોએ ઘેરી લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો બનાવ બહાર આવ્યો છે. હુમલામાં વેપારીના બંને પગમાં ઘૂંટણથી નીચેના ભાગે 14 ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલાખોરોએ જતા જતા ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું લખાવાયું છે. ભુજના રોયલ સિટી, સુરલભીટ રોડ ખાતે રહેતા અને અનમરીંગ રોડ પર ભાડાની દુકાનમાં ‘રીયલ ફૂટવેર’ ચલાવતા અબ્દુલગની અકબરઅલી મેમણ (ઉં.વ.31)એ બનાવ બાબતે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તા.12/09ના રાત્રે આશરે 11 વાગ્યે અબ્દુલગની દુકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં ગયા હતા. દુકાન બહાર પગથિયા પર બેઠા હતા ત્યારે ભીડગેટ બહાર રહેતો રજબઅલી પઠાણ ત્યાં આવ્યો હતો. બંને વાતો કરતાં થોડે દૂર ગયા ત્યારે ત્યાં સુમેર પાંચી અને ઉદિત બાવાજી ઉભા હતા.
આ દરમિયાન રજબઅલી પઠાણે અબ્દુલને ગળાના પાછળના ભાગેથી પકડી રાખ્યા હતા અને ઉદિત બાવાજીએ તેમનો હાથ પકડી રાખ્યો હતો. સુમેર પાંચીએ બોલાચાલી કરી પોતાની સાથે લાવેલા લોખંડના પાઈપથી માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ રજબઅલી અને ઉદિતે પણ લોખંડના પાઈપ વડે માર મારતાં અબ્દુલભાઈ નીચે પડી ગયા હતા.
દરમિયાન હુમલો કરનાર ત્રણેય ફરી દુકાને આવ્યા હતા અને પથ્થર મારી ડિસ્પ્લેનો કાચ તોડી નુકસાન કર્યું હતું. તેમજ અલી કુંભારને દુકાન બંધ કરી ચાલ્યા જવા કહ્યું હતું. તેમ ફરિયાદમાં લખાવાયું છે.

