માંડવીમાં કલ્પસૂત્ર શોભાયાત્રામાં પાંચેય ગચ્છ જોડાયા

પર્યુષણ ઉજવણી અંતર્ગત યોજાયો ધાર્મિક કાર્યક્રમ

માંડવીમાં જૈન સમાજમાં પર્યુષણ પર્વ ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યા છે. સવાર સાંજ પ્રતિક્રમણમાં અને પૂજા તેમજ દેવ દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે. આ ઉપરાંત ભાવિકો યથાશક્તિ આરાધના પણ કરી રહ્યા છે. ત્રણગચ્છ જૈન સંઘના ઉપક્રમે સાધ્વીજીની હાજરીમાં મહાવીર બેન્ડ પાર્ટીના સથવારે કલ્પસૂત્રની નીકળેલી શોભાયાત્રામાં માંડવીના જૈન સમાજના પાંચેગચ્છના ભાવિકો જોડાયા હતા.
મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ, માંડવી ત્રણગચ્છ જૈન સંઘ અને માંડવી અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને માંડવી ખરતરગચ્છ જૈન સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ શોભાયાત્રામાં રથમાં સારથી બનવાનો અને રથમાં પ્રભુજીને લઈને બેસવાનો લાભ સંજયભાઈ સરોજબેન શાંતિલાલ હીરાલાલ શાહ પરિવારે, ધર્મ ધજા લઈને ચાલવાનો લાભ નિર્મળાબેન પ્રાણલાલ શાહ (હસ્તે: વિપુલભાઈ પ્રાણલાલ શાહ) તથા પ્રભુજીને પોંખવાનો લાભ પૂર્ણિમાબેન વૃજલાલભાઈ સંઘવી પરિવારે લીધો હતો. આંબા બજારમાં આવેલા ત્રણગચ્છ જૈન સંઘના ઉપાશ્રયથી પ્રસ્થાન થયેલી આ શોભાયાત્રા કંસારા બજાર, હવેલી ચોક, ડોક્ટર સ્ટ્રીટ, જુના સ્વામિનારાયણના મંદિર, વિકમશી રાઘવજી રોડ, અપના બજાર, મહાવીર સ્વામી જિનાલય, છાપરા શેરી અને કે. ટી. શાહ રોડ થઈને શીતલનાથ ભગવાને પહોંચી હતી. ત્યાં પ્રભુજીને પૂર્ણિમાબેન વૃજલાલ સંઘવી પરિવારે પોંખ્યા હતા. યાત્રા દરમિયાન જૈન બંધુઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.