સર્વેના કલ્યાણની ભાવના સાથે કરાયું ત્રિદિવસીય આયોજન
રણકાંધીએ કાર્યરત હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા રામદેવ નગર ખાતે પ્રથમવાર ત્રિદિવસીય ગણેશોત્સવ યોજાયો છે. ગણેશજીની સ્થાપના સાથે શરૂ થયેલા આ ધાર્મિક ઉત્સવ દરમિયાન ભજન, આરાધિ વાણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ઉત્સવના અંતિમ દિવસે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ સર્વેનું કલ્યાણ, પશુ-પંખી સહિત સમગ્ર જીવસૃષ્ટિના સુખ-શાંતિ અને સમાજમાં ભાઈચારો જળવાઈ રહે તેવો હોવાનું PSI વી.ડી. ગોહિલએ જણાવ્યું હતું.
ઉત્સવમાં વિવિધ સમાજના લોકો જોડાઈ પૂજા-અર્ચના કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર રામદેવ નગરમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. આયોજનની વ્યવસ્થા ASI નરેન્દ્રસિંહ પરમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ દિનેશ ચૌધરી, કિરણભાઈ નાઈ, રીતુરાજ સોઢા અને પિન્ટુભાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

