હુમલાની ઘટનાના પગલે પશુપાલકોમાં ભય-ચિંતા
અબડાસા તાલુકામાં બોહા ગામના સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીએ ગાય પર હુમલો કરી તેને મોતના મુખમાં ધકેલી હતી. આ કિસ્સામાં ચારિયાણ માટે ગયેલા ગાયોના ટોળા પર દીપડા જેવા કોઈ હિંસક પ્રાણીએ આ જીવલેણ હુમલો કર્યો હોવાની સ્થાનિકોએ માહિતી આપી હતી. જંગલી પ્રાણીના હુમલામાં ગાયને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાની વિગતો પણ બહાર આવી છે. ઘટનાને લઈને વિસ્તારના માલધારીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સીમાડા વિસ્તારમાં હિંસક પ્રાણીની અવારનવાર હાજરી રહેતી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવાયું હતું. આ સ્થિતિમાં રાત્રિના સમયે ખેતરોમાં પાણી વાળવા કે રખોપું જતા ખેડૂતો માટે પણ જોખમ ઊભું થયું હોવાની રજૂઆત આ તબક્કે કરવામાં આવી હતી. વિસ્તારના ગ્રામ્ય લોકોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ કરી હતી.

