માધાપરના મેજીરાઈ તળાવમાં ઝેરી કચરો ઠાલવવાનું કૃત્ય અવિરત

રજૂઆતકર્તાએ ગંભીર સવાલો ઉભા કર્યા. કલેકટરના આદેશ વચ્ચે ઝેરી સિલિકાનો જથ્થો ઠાલવાયો

ભુજ : કચ્છમાં તળાવોની ઉપેક્ષા એ કોઇ હવે નવી વાત નથી રહી. જિલ્લામથક ભુજમાં જ હમિરસર અને દેશલસર તળાવની ઉપેક્ષાનો મામલો વર્ષોથી ચર્ચામાં છે. એક તરફ સરકાર લાખો રૂપીયાના ખર્ચે જળસ્તર ઉંડા કરવા માટે મોટુ અભિયાન ચલાવી રહી છે. પરંતુ તેમાં પણ ભષ્ટ્રાચારનો બટ્ટો લાગ્યો હોવાની બુમ વ્યાપક બની છે. આ વચ્ચે ભુજના પાદરમાં આવેલા માધાપર ગામના એક તળાવને નામશેષ કરવાના જાણે સતત પ્રયત્નો થઇ રહ્યા હોય તેવી ફરીયાદો ઉઠી રહી છે.
આ પ્રકરણમાં ફરીયાદીએ ફરી એક અરજી કરી માધાપર ગામના પરંપરાગત જળ સ્ત્રોત એવા મેજીરાઈ તળાવને પ્રદૂષિત કરવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.સામાજિક કાર્યકર્તા ધીરજ ગરવા દ્વારા કલેક્ટર તેમજ સંબંધિત સરકારી વિભાગોને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અગાઉ કંપની દ્વારા ઝેરી કેમેકલ તળાવમાં ઠલવાતુ હોવાના આરોપ અને કલેકટરના તપાસના આદેશ વચ્ચે ફરીયાદીએ શ્રી રામ મિનરલ્સ કંપનીના ડો.મનોજ સોલંકી તેમજ જમીનના કબજેદાર પ્રવીણ ખીમજીભાઈ ઠક્કર (ચંદે) દ્વારા મેઘરાઈ તળાવના પાણીમાં અંદાજે ૫૦૦ ટનથી વધુ ઝેરી સિલિકા ડસ્ટ ડમ્પ કરીને તળાવને પ્રદૂષિત કરવાનો ગંભીર આક્ષેપ તેમણે રજુઆતમાં કર્યો છે.ફરીયાદી દ્વારા અગાઉ જૂનાવાસ ગ્રામ પંચાયત, કલેક્ટર ભુજ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પુરાવા અને જીઓ-ટેગ ઈમેજ સાથે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેવું તેમણે કહ્યું છે.
તંત્ર પ્રદૂષણ ફેલાવનારાઓને મદદગારી કરી રહ્યું હોવાનો પત્રમાં આરોપ પણ મુકાયો છે. ફરીયાદીની રજુઆત મુજબ જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૩૮ મુજબ કલેક્ટરની મંજૂરી વગર તળાવમાં કામ થઈ શકે નહીં.તદુપરાંત,અગાઉના સરકારી આદેશો મુજબ તળાવની જાળવણીની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયતની છે.છંતા કંપની બેરોકટોક કામગીરી કરી તળાવની સ્થિતી ખરાબ કરી રહી છે. તેવું રજુઆતમાં જણાવાયું છે.
પ્રદૂષણ ફેલાવનારાઓ અને તેમને મદદ કરનાર સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસની માંગ પણ કરાઈ છે. સાથે બિનઅધિકૃત સંગ્રહ અને વહન કરનારાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ ફટકારીને વપરાયેલી મશીનરી જપ્ત કરવામાં આવે તેવુ પણ ઉમેરાયું છે. સાથે ચિમકી અપાઈ છે કે વાંરવારની રજુઆત પછી પણ જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મેજીરાઈ તળાવ ખાતે અનશન અને ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
આ અંગે કલેકટરે મામલાની તપાસ જેને સોંપી છે. તેવા ભુજના પ્રાન્ત અધિકારી ડો અનિલ યાદવનો પ્રચાર માધ્યમોએ સંપર્ક કર્યો ત્યારે તેઓએ આવી ફરીયાદી મળી હોવાનુ કહી તપાસ સંદર્ભે જવાબદારો પાસેથી પ્રાથમીક રીપોર્ટ માંગવામાં આવ્યો હોવાનુ કહી સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે વધુ જાણકારી બહાર આવવાનું કહ્યું હતું. હાલતુરત ગ્રામ પંચાયતે નીમ કરેલી જગ્યા અંગે ફરીયાદના આધારે પ્રાથમીક તપાસ અહેવાલ મગાયો હોવાનુ તેઓએ ઉમેર્યુ હતુ.તો આ અંગે સામાજીક અગ્રણી મનોજ સોંલકીએ પ્રચાર માધ્યમો સમક્ષ તેઓની કંપની દ્વારા આવી કોઇ પ્રવૃતિ ન થતી હોવાનુ જણાવી તળાવમાં મોટી કે કોઇ પણ કામગીરી તેમના દ્વારા કરાઇ નથી અને તળાવ પણ તેઓએ ઉંડી કરાવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ.