જાગૃતિ રેલી સાથે સઘન આઈ.ઇ. સી. અભિયાનનો જિલ્લામાં ભુજથી પ્રારંભ

જનજાગૃતિ આણવા માટેનો પ્રયાસ કરાયો

સઘન આઈ.ઇ.સી. અભિયાન-3.0 અંતર્ગત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજ ખાતે એચ.આઈ.વી. જાગૃતિ રેલી સાથેનો કાર્યક્રમ યોજાયો હતો.
રાષ્ટ્રીય એઇડ્સ અને એસ.ટી.ડી. નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન અભિયાન-3.0 યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જાગૃતિ અને ટેસ્ટિંગ અભિયાનનો પ્રારંભ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ, ભુજ ખાતે જાગૃતિ રેલી અને જાગૃતિ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીના દિશાનિર્દેશન હેઠળ તથા જિલ્લા અધિકારી ડૉ. મનોજ દવેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. દવેએ જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલીમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. રોગથી બચવાના ઉપાયો, સમયસર ટેસ્ટિંગ અને સારવાર તથા ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.
સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, ઉપપ્રમુખ મનસુખ દબાસિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા તથા સહમંત્રી લક્ષ્મણભાઈ હિરાણી તરફથી સહયોગ મળ્યો હતો. આચાર્યા મનીષાબેન વાગડિયા અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અનિતાબેન ચૌહાણ સહયોગી રહ્યા હતા.