જયપુરમાં સરપંચ સંઘની રાષ્ટ્રીય બેઠક યોજાઇ
જયપુર : રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારીણી બેઠક રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત,હિમાચલ પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા સહિત વિવિધ રાજ્યોના સરપંચ સંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા.
ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા તેમજ દેશભરના સરપંચોના હિતોને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મુખ્યત્વે વિવિધ રાજ્યોમાં સરપંચોને મળતા માનદ વેતનમાં રહેલી અસમાનતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરપંચોને તેમના જવાબદારીભર્યા કાર્યને અનુરૂપ યોગ્ય અને સન્માનજનક માનદ વેતન મળે તે માટે રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા વિચાર વિમર્શ કરાયો હતો. જી રામ અને જી. યોજના અંતર્ગત ગ્રામ પંચાયતો અને સરપંચોને પડતી વિવિધ મુશ્કેલીઓ, યોજનાના અમલીકરણ દરમિયાન ઊભા થતા પ્રશ્નો તેમજ તેના સરળ અને અસરકારક અમલીકરણ અંગે સભ્યો દ્વારા પોતાના સૂચનો રજૂ કરાયા હતા.
દેશભરના સરપંચો સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો, ગ્રામ પંચાયતોને વધુ સત્તા અને સુવિધાઓ આપવી, સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાને મજબૂત બનાવવી તેમજ સરપંચોના હક્કો અને અધિકારોને વધુ અસરકારક રીતે સરકાર સમક્ષ રજૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ પોતાના રાજ્યોમાં પંચાયતો અને સરપંચોને પડતી સમસ્યાઓ તથા સ્થાનિક સ્તરે થઈ રહેલા સારા પ્રયાસો અંગે માહિતી અને સૂચનો રજૂ કર્યા હતા.
રાષ્ટ્રીય સરપંચ સંઘના અધ્યક્ષ જયરામ પાલસાણિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંઘના જનરલ સેક્રેટરી કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નગાવલાડીયાના સરપંચ દેવઈબેન અરજણભાઈ કાનગડ સહિત વિવિધ રાજ્યોના પદાધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો દેશના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, ગ્રામ પંચાયતોને વધુ સશક્ત બનાવવા અને સરપંચોના હિતોના રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠિત અને અસરકારક રીતે કામગીરી આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

