વરસાદ ખેંચાતા વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો

તુલનામાં 39.24 ટકા ધરા હજુ હળ ચાલે તેની રાહમાં

પરાપૂર્વથી ખેતી જ્યાં મુખ્ય વ્યવસાય છે તેવા કચ્છ જિલ્લામાં વરસાદની ખેંચ સર્જાવા વચ્ચે ખેતીક્ષેત્રે વાવેતરમાં 2.20 લાખ હેક્ટરનો નોંધનીય ઘટાડો થયાનું બહાર આવ્યું છે.
કચ્છમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતર વિસ્તારમાં 39.24 ટકાનો ઘટાડો હોવાની વિગતો પ્રાથમિક રીતે સપાટી ઉપર આવી રહી છે.
બહાર આવેલા આ અંગેના આંકડા મુજબ 2025ના વર્ષમાં કચ્છમાં 5,61,489 હેક્ટર વિસ્તાર જમીનમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 3,41,192 હેક્ટરમાં જ વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતર વિસ્તારમાં કુલ 2,20,277 હેક્ટરનો ઘટાડો નોંધાયો હોવાની વિગતો વચ્ચે મુખ્ય પાકોમાં પણ વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.
પૂર્વ કચ્છમાં રાપરમાં ગત વર્ષની સરખામણીએ 47,325 હેક્ટર વાવેતર આ વખતે તુલનાત્મક રીતે અન્ય તાલુકાઓ કરતા સારા વરસાદ પછીયે ઘટ્યું છે. જ્યારે નખત્રાણા તાલુકામાં 26,083 હેક્ટર અને માંડવી તાલુકામાં 27,127 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ જિલ્લાના અન્ય વિસ્તારમાં અંજારમાં 22,562 હેક્ટર અને અબડાસામાં 47,721 હેક્ટર વાવેતર ઘટયાની માહિતી બહાર આવી છે. નોંધપાત્ર પાસું એ બની રહ્યું છે કે વાગડ વિસ્તારમાં સારા વરસાદ બાદ પણ વાવેતર ઘટ્યું હોવાનું અહેવાલ બહાર આવ્યા છે વરસાદ મોડો પડતાં ખેડૂતો માટે સમયસર વાવેતર કરવું મુશ્કેલ બન્યું હોવાની વિગતો પણ જાણવા મળી છે. તો આ સમગ્ર સ્થિતિમાં વરસાદની ખેંચને કારણે જમીન પડતર રહેવાની સ્થિતિએ પણ ખેડૂતોમાં ચિંતા જગાવી છે.