નવરાત્રીમાં કચ્છના પ્રવેશદ્વાર પર પોલીસનો પહેરો વધુ કડક બન્યો

આડેસર ચેક પોસ્ટ ખાતે ગેરપ્રવૃતિઓ અટકાવવા પોલીસે સતર્કતા વધારી

નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કચ્છના પ્રવેશદ્વાર સમાન સ્થળ આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહનોનું વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના આ સ્થળે સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિશેષ પગલાં સાથેની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ અન્ય જિલ્લાઓ અને રાજ્યો સાથે માર્ગ વ્યવહારથી જોડાયેલો છે. આડેસર માર્ગ પરથી બહારના જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા-જતા વાહનોની સતત અવરજવર આ માર્ગેથી રહે છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોની તપાસ વધુ તેજ કરવામાં આવી છે. વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને થેવરો દરમ્યાન અસરકારક રીતે અટકાવી શકાય તે માટેના આ ખાસ પગલા અમલી બનાવવામાં આવ્યા છે.
સતાવાર સાધનોના જણાવ્યા મુજબ નવરાત્રી દરમિયાન અસામાજિક તત્ત્વો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ ન આપે અને જિલ્લામાં કોઈ પ્રતિબંધિત સામગ્રી પ્રવેશી ન શકે તે માટે પોલીસ દ્વારા વાહનોની ઝીણવટભરી તપાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને દારૂ, માદક પદાર્થો અને હથિયારોની હેરાફેરી અટકાવવા તપાસની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમ્યાન થેવરોમાં આ માર્ગેથી લોકોની અવરજવર અને વાહનવ્યવહાર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આડેસર ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્તતા સાથે ગોઠવવામાં આવી છે. પોલીસ સ્ટાફ દ્વારા વાહનોની તપાસ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. તેવું સાધનો જણાવી રહ્યા છે.
આડેસર ચેકપોસ્ટની સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેતી આવી છે. તહેવારો દરમિયાન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા આડેસર પોલીસની ટીમ વધુ સક્રિય બનવાઈ છે. પોલીસની આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનો અને નવરાત્રી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવાયું છે.