પાણીની બચત અને સંશાધનોના કાર્યક્ષમ ઉપયોગ સાથેની યોજના, ૧.૨ અબજ ડોલરનું રોકાણ
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડની પેટા કંપની ‘કચ્છ કોપર લિમિટેડ’ પોતાના કચ્છમાં મુન્દ્રા સ્થિત કોપર ટીવી રિફાઇનરી પ્લાન્ટમાં પ્રદૂષણ ઘટાડવા, પાણીની બચત કરવા અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ૧૧૫ મેગાવોટ રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) સંકલિત કરવાની યોજના બનાવી રહી છે. કંપની હાલમાં વાર્ષિક ૫,૦૦,૦૦૦ ટનની ક્ષમતા ધરાવતો કોપર સ્મેલ્ટર ઓપરેટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં આ ક્ષમતા વધારીને ૧૦ લાખ (૧ મિલિયન) ટન કરવાની યોજના છે, જે તેને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન કસ્ટમ સ્મેલ્ટર બનાવશે. કચ્છ કોપરે તેના પ્રથમ સસ્ટેનેબિલિટી રિપોર્ટમાં જણાવ્યું છે કે, એનર્જી ટ્રાન્ઝિશન ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ , પાવર ટ્રાન્સમિશન અને ઔદ્યોગિક વિકાસને કારણે તાંબાની વધતી માંગ વચ્ચે કંપની પોતાના વ્યવસાયમાં એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ પાસાંઓને સામેલ કરી રહી છે.
કંપનીએ રિપોર્ટમાં જણાવ્યું કે, “અમારી સસ્ટેનેબિલિટી વ્યૂહરચનાનો મુખ્ય હિસ્સો ૧૧૫ મેગાવોટ રિન્યુએબલ એનર્જીનો ઉમેરો કરવાનો છે. આ પગલું કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને લાંબા ગાળાના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.”
સ્વચ્છ ઊર્જા ટેકનોલોજી અને ઇલેક્ટ્રિફિકેશન માટે તાંબુ એક અત્યંત મહત્વની ધાતુ છે, જેના કારણે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વૈશ્વિક પ્રયાસોમાં તેની ભૂમિકા કેન્દ્રસ્થાને છે. તેવું કહેતા કચ્છ કોપરે ઉમેર્યું કે, તેનો હેતુ પર્યાવરણીય જાળવણી અને બિઝનેસના નિર્ણયોમાં સસ્ટેનેબિલિટીને પ્રાધાન્ય આપીને પ્રોડક્શન વધારવાનો છે. આ પ્લાન્ટ હાલમાં ૧૦૦ ટકા દરિયાના પાણીને મીઠું કરીને કામ કરે છે અને પાણીની બચત માટે ઝીરો-લિક્વિડ-ડિસ્ચાર્જ પદ્ધતિ અપનાવે છે, જેથી મીઠા પાણી પરની નિર્ભરતા ઘટે.
આ ઉપરાંત, કંપનીએ જણાવ્યું કે, “અમે હાલમાં ૯૯.૮ ટકા સલ્ફર ઉત્સર્જનને ટ્રીટ કરી રહ્યા છીએ. અત્યાધુનિક પર્યાવરણીય ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈશ્વિક ધોરણો અને પ્રદૂષણ નિયંત્રણ જાળવવા માટે અમે કટિબદ્ધ છીએ.” ઉત્પાદન પ્રક્રિયા સિવાય, કંપની હેલ્થકેર, શિક્ષણ, આજીવિકા અને સામાજિક વિકાસ જેવા સીએસઆર કાર્યક્રમો દ્વારા સ્થાનિક સમુદાયોમાં પણ રોકાણ કરી રહી છે. અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ માટે ૧.૨ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે. અદાણી ગ્રુપનું માનવું છે કે વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતને કાર્બન ન્યુટ્રલ (કાર્બન મુક્ત) બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક કોપર ઇન્ડસ્ટ્રી અત્યંત મહત્વનો ભાગ ભજવશે.

