માર મારવા, ગાળો આપવા અને માથે મળ ફેંકવા સહિતના આરોપની કેરટેકર સામે ફોજદારી
ભુજ તાલુકામાં ભુજોડી અને કુકમા વચ્ચેના માર્ગે કાર્યરત SOS ચિલ્ડ્રન વિલેજમાં અમાનવીય કૃત્યની ઘટના બહાર આવી છે. સંસ્થાના બાળકો પર અત્યાચાર ગુજારવા બાબતે ગૃહમાતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બાળકોને નાની બાબતોમાં ઢોર માર મારવા, ગાળો આપવા અને મોઢા પર માનવમળ ફેંકવા જેવા કૃત્યના આરોપથી ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે માધાપર પોલીસે હાઉસ મધર લતીફા બેગમ સામે ગુનો નોંધ્યો છે.
ભુજ તાલુકામાં અંજાર ધોરીમાર્ગ ઉપર ભુજોડી ઓવરબ્રિજ નજીક આવેલા ‘SOS ચિલ્ડ્રન વિલેજ’ ખાતે આશ્રય મેળવતા અનાથ અને નિરાધાર બાળકો પર આ કહેવાતો અમાનુષી અત્યાચાર ગુજારવાનો શરમજનક અને ઘૃણાસ્પદ કિસ્સો બની રહ્યો છે. માસૂમ બાળકોના સંભાળ અને રક્ષણની જવાબદારી જેમના શિરે હતી, તે જ સંસ્થાની ગૃહમાતા (હાઉસ મધર) દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારી, ઢોર માર મારી તેમજ તેમના મોઢા પર માનવમળ ફેંકવા જેવું અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ ફરિયાદમાં લખાવાયો છે. આ મામલે જિલ્લા બાળ સુરક્ષા એકમ, કચ્છ-ભુજના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલકુમાર બાબુલાલ ડોરીયા દ્વારા માધાપર પોલીસ સ્ટેશન ખાતે વિધિવત લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
SOS ચિલ્ડ્રન વિલેજમાં ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ અને ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’નું સંચાલન કરવામાં આવે છે, જ્યાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા આશ્રિત અને જરૂરિયાતમંદ બાળકોને સંસ્થાગત આશ્રય આપવામાં આવે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મે ૨૦૨૬ દરમિયાન સંસ્થામાં ‘મધર’ તરીકે ફરજ બજાવતા લતીફા બેગમ દ્વારા નાના અને અસહાય બાળકોને નાની-નાની બાબતોમાં અમાનુષી રીતે માર મારવામાં આવતો હતો. આ ઉપરાંત બાળકોને અત્યંત ગંદી અને માનસિક આઘાત પહોંચાડે તેવી ગાળો આપવામાં આવતી હતી. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી દેવામાં આવી જ્યારે મધર લતીફા બેગમે બાળકોના મોઢા પર માનવમળ ફેંકીને અત્યંત ઘૃણાસ્પદ અને માનવ અધિકારોનું ખંડન કરતું કૃત્ય આચર્યું હતું.
દરમ્યાન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંસ્થાના જવાબદાર પદાધિકારીઓને આ અમાનવીય ઘટના વિશે જાણ હોવા છતાં, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે માત્ર આરોપી મધરની બદલી કરી આંતરિક તપાસનો સંતોષ માન્યો હતો. લાંબો સમય વિત્યા પછી પણ સંસ્થા તરફથી કોઈ નક્કર નિર્ણય કે કાયદેસરની કાર્યવાહી ન કરાતાં, સંસ્થાના વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારી અને સંડોવણી પણ સ્પષ્ટ છતી થાય છે. તેવો ગણગણાટ થઈ રહ્યો છે.
માધાપર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નીતાબા કનકસિંહ જાડેજા કેસની તપાસ ચલાવી રહ્યા છે.

