કચ્છ કોંગ્રેસે મનાવ્યો કાળો દિવસ

મત બચાવો, દેશ બચાવોના નારા સાથે ચૂંટણી પંચના નિર્ણય સામે કચ્છ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હાકલને પગલે ગુરુવાર ૮ ઓક્ટોબરે દેશ અને રાજ્યના અન્ય વિસ્તારો સાથે કચ્છમાં પણ કાળો દિવસ કચ્છ કોંગ્રેસ દ્વારા મનાવવામાં આવ્યો હતો. બંધારણે આપેલા અધિકારો અને લોકશાહી વ્યવસ્થાને બચાવવા માટે કચ્છ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના નિર્ણયોના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ધરપકડના વિરોધમાં તથા ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જિલ્લા મથક ભુજ ખાતે આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કચ્છ કોંગ્રેસએ યાદીમાં જણાવ્યા મુજબ, રાહુલ ગાંધી છેલ્લા કેટલાય મહિનાઓથી “વોટ ચોર” નામનું અભિયાન ચલાવી ભારત દેશ અને લોકશાહીને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો, સાથી સાંસદો તથા વિપક્ષી પક્ષોના આગેવાનો દ્વારા “સત્યાગ્રહ”ના નામે ગાંધી ચોક ખાતે પણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસના શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓની ધરપકડ લોકશાહીનું અપમાન છે. તેમણે ૭ ઓક્ટોબરને લોકતંત્ર માટે “કાળો દિવસ” ગણાવી આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો અને જ્ઞાનેશ કુમારનું રાજીનામું ન લેવાય ત્યાં સુધી કોંગ્રેસ લડત ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.