નમો પદયાત્રી કેમ્પમાં સેવા સાથે એકતાનો પથરાયો ઉજાશ

રાસગરબા અને મહાઆરતીમાં માઇભક્તો અને અગ્રણીઓ, આયોજકો બન્યા લિન

માતાનામઢના પદયાત્રીઓ માટે શરૂ કરાયેલા ભુજ આર.ટી.ઓ. સાઇટ ખાતે કાર્યરત નમો પદયાત્રી કેમ્પમાં એકબાજુ મહાઆરતી અને રાસગરબા સહિતના કાર્યક્રમોએ સેવા સાથે ભક્તિ અને આરાધનાનો અનેરો માહોલ સર્જ્યો હતો. તો આ કેમ્પમાં સેવા આપતા વિવિધ વર્ગ અને ક્ષેત્રના સેવભાવીઓ દ્વારા કચ્છની કોમીએકતા અતૂટ અને અટલ હોવાના દર્શન કરાવાયા હતા.
પદયાત્રીઓ સાથે ભાવિકો માટે વિવિધ સવલત પુરી પાડી રહેલા નમો કેમ્પનો લાભ લેનારા યાત્રીઓનો આંકડો ગુરુવારે સાંજ સુધી અડધા લાખને આંબી ગયો હતો. યાત્રીઓનો પ્રવાહ આવતીકાલે પણ ભરપૂર રહે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હોવાનું આયોજકોએ કહયું હતું. તેમણે ઉમેર્યું હતું કે યાત્રીઓનો પ્રવાહ રહેશે ત્યાંસુધી આ કેમ્પના માધ્યમથી સેવાકાર્ય જારી રખાશે.
દરમ્યાન ગુરુવારે ભુજના નગરપતિ શીતલભાઈ શાહ અને કચ્છ ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોરએ અન્ય અગ્રણીઓ અને કાર્યકરો સાથે નમો કેમ્પની મુલાકાત લીધી હતી. તો અખિલ કચ્છ લોહાણા મહાજનના ઉપપ્રમુખ તુષારભાઈ આઈયા, રઘુવીર સેનાના મયંક રૂપારેલ ઉપરાંત મુંબઈથી રઘુવંશી સમાજ અને અન્ય જ્ઞાતિના દાતાઓ, શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓએ પણ સ્થાનિકે આવી પદયાત્રી સેવા અને અન્ય સેવાકીય તથા જીવદયા સહિતના કાર્યોની પ્રસંશા કરી હતી. દરમ્યાન ગુરુવારે કચ્છ સહિત ગુજરાતભરમાં જાણીતા કલાકારો નિલેશ ગઢવી, દિવાળીબેન આહીર અને પુનમબેન ગઢવી સાથે વિવિધ સાજીંદાઓએ મહાઆરતી અને રાસગરબાની જમાવટ કરી હતી. અગ્રણીઓ, યાત્રીઓ સાથે આયોજકો સહિતનો સમૂહ ગીતસંગીતના સથવારે તેમાં લિન બન્યો હતો.
કેમ્પમાં સેવા આપી રહેલા વિરભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, હાજી મોહમદ હાજી સીધીક જુણેજા, હનીફ મલેક, આરબ મલેક, દેવજી કન્નર, અશોક કન્નર, રાજેશ પલણ, સુકેતુ રૂપારેલ, રાજેશ ચોથાણી સહિત વિવિધ જ્ઞાતિ અને સમૂહના સભ્યોએ એકતાનો સંદેશ આપ્યો હતો.
જ્યારે પોતાની નાદુરસ્ત તબિયત વચ્ચે ઉપસ્થિત રહેલા નમો કેમ્પના સ્થાપક જેન્તીભાઈ જેઠાલાલ ઠક્કર ડુમરાવાળાએ 21 વર્ષથી અવિરત યોજાઈ રહેલા કેમ્પની વિગતો આપતા આયોજન માટે દાતાઓના સહકાર, કાર્યકરોની મહેનત અને અગ્રણીઓના સાથનો ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બને તે માટે આ સ્થળે સૌપ્રથમ કરાયેલા સંકલ્પ સિદ્ધિ યજ્ઞ અને તેમાં અપાયેલી આહુર્તિઓ સહિતનો સમગ્ર ઘટનાક્રમ યાદ કરી નમોની શરૂઆત દેશભરમાં અહીંથી થયાનું તેમણે કહ્યું હતું. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કરણી સેના, નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રૂપ અને લક્કી ગ્રુપ ભુજના સંયુક્ત ઉપક્રમે માતાનામઢ જતા પદયાત્રીઓ માટેના આધુનિક સુવિધાથી સજ્જ આ કેમ્પનું આયોજન સંચાલન કરાઈ રહ્યું છે. આયોજક સંસ્થાઓનાં જયેશ સચદે, અર્પિત ઠક્કર, કુશલ ઠક્કર, કૈલાશભાઈ ગણાત્રા, વીરભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શ્યામ ઠક્કર, અરવિંદ ઠક્કર, નયન ડુડિયા, જયસુખ ઠક્કર, પરેશ ભીંડે, રાહુલ રબારી, ચેતન ઠક્કર, સંજય ત્રિપાઠી, ચેતન કતીરા, મેહુલ ગણાત્રા, ઓમ ઠક્કર વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.