હરિત ઉર્જાના વિઝનથી કચ્છ ભૂમિનું ભવિષ્ય બદલાયું

ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લેતા રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રવિવારે કચ્છ મુલાકાત દરમ્યાન ખાવડા પાસે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રીન ઊર્જા જ આવનારા સમયનું ભવિષ્ય હોવા પર ભાર મૂકીને પવન ઊર્જા અને સોલાર ઉર્જા ક્ષેત્રે ખાવડા હાઈબ્રિડ રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીને નિહાળી હતી.
રાજ્યપાલએ ખાવડા આર.ઈ.પાર્કના અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી ઊર્જા ઉત્પાદન, મોનિટરીંગ અને સપ્લાય સહિતની બાબતોની જાણકારી મેળવી હતી. સ્વદેશી ટેક્નોલોજીના માધ્યમથી ગ્રીન ઊર્જાના લક્ષ્યાંકો હાંસલ કરી આત્મનિર્ભર બનવા તેમણે આહ્વાન કર્યું હતું.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ,ખાવડાના પ્રોજેક્ટ હેડ શકીલ ચૌહાણે વિન્ડ અને સોલાર એનર્જીના માધ્યમથી ભારતની ઊર્જા જરૂરિયાતને પૂર્ણ કરવામાં કચ્છ કેવી રીતે અગ્રેસર બની રહ્યું છે તેની જાણકારી આપી હતી. આ મુલાકાત દરમિયાન નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષા દેસાઈ સહિત અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.