કચ્છના ઓછા જાણીતા નારીપાત્રોને નવી પેઢી સુધી લાવવાનું કામ પ્રશંસનીય

ભુજમાં ડો. પૂર્વી ગોસ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક0 ‘ગોલ્ડન ફ્લેમ્સ’નું વિમોચન

કચ્છના બહુ ઓછા પ્રચલિત સ્ત્રી ચરિત્રોને આજની પેઢી જાણે તે માટે લેખિકાના પ્રયાસો ખૂબ પ્રસંશનિય અને ભાવિ અને વર્તમાન સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. ભુજમાં યુવા લેખિકા ડો. પૂર્વી ગોસ્વામીના અંગ્રેજી પુસ્તક “ગોલ્ડન ફલેમ્સ”નું વિમોચન કરતાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સૂંડાએ આ પ્રમાણે સૂર વ્યક્ત કર્યો હતો.
ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે ઓસન ગ્રુપ સંચાલિત યુથ ઉપનિષદ બુક સ્ટોરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રસંગ અનુરૂપ બોલતા શ્રી સુંડાએ કહ્યું કે, આજના એ.આઈ.ના યુગમાં આ રીતે પુસ્તકોના માધ્યમથી છેવાડે રહીને ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર મહિલા રત્નોને ખૂબ સરળ અને સચોટ રીતે ઉજાગર કરવા તે ખૂબ ઉમદા કાર્ય છે. તેમણે 1968ના સત્યાગ્રહને યાદ કરીને કહ્યું કે આ ચળવળમાં પ્રથમ હરોળથી લઈ અંતિમ હરોળના લોકોએ ભાગ લીધો હતો ત્યારે પૂર્વીબેનના અન્ય એક પુસ્તક “સરહદી કચ્છની વિરાંગનાઓ”માં ખૂબ ઝીણવટભરી રીતે મહિલાઓના પ્રદાનની તેમાં નોંધ લીધી હતી. એટલું જ નહીં આ પુસ્તક ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનમાં પસંદગી પામ્યું હતું. પૂર્વીબેનની ધગસ અને તેમના પરિવારજનોના સહકારની તેમણે વિશેષ નોંધ લીધી હતી.
ખાસ અતિથી આસામ સરકારના નિવૃત સેક્રેટરી મહાદાનંદા હઝારિકાએ દેશના પૂર્વ અને પશ્ચિમ છેડાની રાષ્ટ્રભાવનાની વાતનો ઉલ્લેખ કરી લેખિકાના ઉત્તમ પ્રદાનની નોંધ લીધી હતી અને આ બૂકની આસામના પ્રખ્યાત પુસ્તક સાથે સરખામણી કરી હતી. કાર્યક્રમના અન્ય વિમોચનકર્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના કાર્યવાહ રવજીભાઈ ખેતાણીએ કહ્યું કે, ભારતની ભવ્ય સંસ્કૃતિમાં દસ્તાવજીકરણની કચાશ વર્તાતી હોય છે ત્યારે પૂર્વીબેનના આ પ્રયાસે અતિમહત્વના વ્યક્તિ ચરિત્રોની નોંધ લઈ ઉત્તમ દસ્તાવેજ પૂરો પાડ્યો છે જેનીu ઈતિહાસ નોંધ લેશે. તેમણે આ પ્રકારના સાહિત્ય આપવા બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.