ગાંધી અને શાસ્ત્રીના સિદ્ધાંતો મુજબ સત્ય અને કિસાન હિતને અગ્રતા જરૂરી

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિમા સમક્ષ વંદન સહ હારારોપણ

ભુજમાં રાજગોર સમાજવાડી ખાતે ‘ગાંધી વિચાર અને કાર્ય મારી નજરે’ વિષય પર વ્યાખ્યાન યોજાયુ હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલની ઉપસ્થિતિમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે આ બંને મહાપુરુષોની પ્રતિમાને હારારોપણ કરી વંદન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હુંબલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સત્ય ખાતર અને લાલબહાદુર શાસ્ત્રી કિસાનોના હિત માટે જીવનના અંત સુધી લડતા રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે હાલમાં ચોતરફ અસત્ય અને નફરતનો માહોલ છે તેમજ જગતનો તાત કિસાન ખૂબ દુઃખી છે. આ સંજોગોમાં પુનઃ રાષ્ટ્રપિતા ગાંધીજીના સ્વપ્નનું રામરાજ્ય અને શાસ્ત્રીજીના કિસાનહિતનું રાષ્ટ્ર નિર્માણ થાય તે માટે કામે લાગી જવા તેમણે આહ્વાન કર્યું હતું. રાજગોર સમાજવાડી ખાતે ગુજરાત પ્રદેશ રચનાત્મક કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે “મહાત્મા ગાંધી જીવન વિચાર અને કાર્ય મારી નજરે” વિષય પર જાણીતા ચિંતક હરેશભાઈ ધોળકિયાનું વ્યાખ્યાન યોજાયું હતું. શ્રી ધોળકિયાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની આત્મકથા સૌએ જરૂર સમય કાઢીને વાંચવી જોઈએ. બાપુના જીવનમાંથી સત્ય, પ્રેમ, સ્વાવલંબન, દ્રઢતા, અહિંસા અને સ્વચ્છતા જેવા અનેક મૂલ્યો શીખવા જેવા છે. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય ઈબ્રાહિમભાઈ મંઘરા, અરજણ ભુડિયા, કલ્પનાબેન જોષી, રાજદીપ દેવધર, નરેશ લીયા, ખેતશી ગજરા, પાંચાભાઈ રબારી, રાધાસિંહ ચૌધરી સહિત શહેર અને તાલુકાના પ્રમુખો, જિલ્લા સમિતિના હોદ્દેદારો, વિવિધ સેલના પ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પક્ષના જિલ્લા ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ કર્યું હતું આભાર વિધિ ગનીભાઈ કુંભાર દ્વારા કરવામાં આવી હતી. આયોજન વ્યવસ્થા લાખાભાઈ સોઢા, ઈલીયાશ ઘાંચી અને મિતેશ રૂપાણી એ સંભાળી હતી. તેવું પક્ષની યાદીમાં જણાવાયું છે.