5.01 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરાયો
ભુજ શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઓધવવંદના સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી કારમાંથી ભારતીય બનાવટના અંગેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત 5,01,164નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસ ફરિયાદ મુજબ, પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓને માહિતી મળી હતી કે ભુજ એરફોર્સ સ્ટેશનના કર્મચારી ભાનુપ્રકાશે મંગલમ રેસિડેન્સી, નાગોર ફાટક પાસે દારૂનો જથ્થો ઉતાર્યો છે અને સુધીર ઘનશ્યામભાઈ ચુડાસમા, રહે. ઓધવવંદના સોસાયટી, મકાન નં.194, એરપોર્ટ રોડ, ભુજ, પોતાની હ્યુન્ડાઈ કારમાં દારૂ ભરી લઈ ગયો છે.
બાતમીના આધારે તપાસ દરમિયાન મકાન સફેદ હ્યુન્ડાઈ કારમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની શીલબંધ બોટલો મળી આવી હતી. ફરિયાદમાં દર્શાવ્યા મુજબ દારૂની કિંમત રૂ.1,91,164 થાય છે. પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલી કાર રૂ.3 લાખની અને આરોપીનો વિવો મોબાઇલ રૂ.10 હજારનો કબજે કર્યો હતો. સુધીર ચુડાસમાએ દારૂનો જથ્થો એરફોર્સ કર્મચારી ભાનુપ્રકાશ પાસેથી મંગલમ રેસિડેન્સી, નાગોર ફાટક પાસેથી લીધો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમ સતાવાર સાધનોએ જણાવ્યું હતું.

