બારોઈ-ગોયરસમાં માર્ગે ભૂગર્ભ વીજ કેબલ ચોરાયો

પીજીવીસીએલ લાઇનના ખુલ્લા બંને છેડા કાપી ચોરી

મુંદરા તાલુકામાં બારોઈ અને ગોયરસમા વચ્ચેના રોડ પર કિસાનવાડીની પાસે આવેલી જમીનમાં ભૂગર્ભ વીજલાઇન નાખવાની કામગીરી દરમિયાન ચોરીનો બનાવ બહાર આવ્યો છે. અજાણ્યા તસ્કરો જમીનમાં નાખેલા વીજ કેબલના બંને છેડા કાપીને અંદાજે 50 મીટર લાંબો અને રૂ.50,000ની કિંમતનો કેબલ ચોરી કરી ગયા હતા. આ અંગે ઓનીક્સ રિન્યુએબલ લિમિટેડ કંપનીના સુપરવાઇઝર નરસિંહભાઈ કાવાભાઈ નરાત( ગુંદાલા)એ બનાવ વિશે ફરિયાદ લખવી છે. ફરિયાદ મુજબ 7 સપ્ટેમ્બરના સાંજે પાંચ વાગ્યે કામ પૂર્ણ કરી કર્મચારીઓ સાઇટ પરથી નીકળી ગયા હતા. બીજા દિવસે તા.8ના સવારે નરસિંહભાઈ સાઇટ પર પહોંચ્યા ત્યારે જમીનમાં નાખેલા આશરે 300 મીટર વીજ કેબલના બંને છેડા ગાયબ હોવાનું જણાયું હતું. થાંભલાના વીજવાયર સાથે જોડવા માટે જમીનની બહાર ખુલ્લા રાખેલા એક તરફના આશરે 30 મીટર અને બીજી તરફના 20 મીટર કેબલને કોઈ અજાણ્યા શખ્સો કાપીને ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું.